ભારતે પાકિસ્તાન દ્વારા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર 70 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કરવાના પગલાને આડે હાથ લીધું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ પાકિસ્તાનનું નાટક છે, જેનો ઉદ્દેશ્ય દુનિયાને ગેરમાર્ગે દોરવાનો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સારી રીતે જાણે છે કે મસૂદ અઝહર ક્યાં છુપાયેલો છે, તેથી તેણે માત્ર જાહેરાતો કરવાને બદલે તેને પકડીને નક્કર કાર્યવાહી કરવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બાંગ્લાદેશના વડાપ્રધાનને આપવામાં આવેલા નિમંત્રણ, ભારત-ચીન વડાઓની મુલાકાત અને ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલા સહિતના મુદ્દાઓ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
BRICS માટે બાંગ્લાદેશના PMને આમંત્રણ ન આપ્યું હોવાનો દાવો ખોટો
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને આમંત્રણ મોકલવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રણધીર જાયસવાલે જણાવ્યું કે ભારતે તેમને દ્વિપક્ષીય મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત BIMSTECના અધ્યક્ષ તરીકે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પણ બીજું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આમ તેમને ભારત તરફથી કુલ બે અલગ-અલગ આમંત્રણ મળ્યા હતા, તેથી આમંત્રણ ન મળ્યાનો દાવો ખોટો છે.
ભારત-ચીન વડાઓની બેઠક
18મા બ્રિક્સ સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોના હિતો અને સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ભારતે પોતાની ચિંતાઓ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી હતી. બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર સન્માન, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા એ ત્રણ સિદ્ધાંતોનું પાલન થવું જરૂરી છે.
ઓમાન તટ પર જહાજ પર હુમલો, 13 ભારતીયો સુરક્ષિત
ઓમાનના દરિયાકાંઠે પનામાનો ધ્વજ ધરાવતા એક કોમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો, જેમાં કુલ 14 ભારતીય નાગરિકો અને નાવિકો સવાર હતા. તેમાંથી 13 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે 1 ભારતીય નાવિક હજુ લાપતા છે. ઓમાનના સત્તાવાળાઓ સાથે મળીને તેને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી જહાજો, સામાન્ય નાગરિકો અને નાગરિક માળખા પરના હુમલા બિલકુલ અસ્વીકાર્ય છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને સુરક્ષિત અવરજવર જળવાઈ રહેવી જોઈએ.
રશિયા સાથે ઊર્જા સહયોગ અને તેલ ખરીદી
ભારત અને રશિયા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર ખૂબ મજબૂત રહ્યો છે, જેમાં કુડનકુલમ અણુ ઊર્જા પ્રોજેક્ટ બંને દેશોના સફળ સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત આ ભાગીદારીને વધુ વિસ્તારવા માટે ટેકનિકલ સ્તરે ચર્ચા કરી રહ્યું છે. અમેરિકા દ્વારા રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદતા 10 દેશો પર 100 ટકા ટેરિફ લાદવાના અહેવાલો અને નવા પ્રતિબંધો અંગે પૂછાયેલા પ્રશ્ન પર ભારતે જણાવ્યું કે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તેલ ખરીદવાનો નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.
સાઉદી અરબ સાથે મુલાકાત અને પ્રાદેશિક સુરક્ષા
વિદેશ મંત્રી એસ. જયશંકરે સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને પ્રાદેશિક સુરક્ષા અને લાલ સમુદ્રમાં વધી રહેલા તણાવ પર ચર્ચા કરી હતી. ભારતે સાઉદી અરબની સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો હતો.