સત્ય. સાહસ. સંકલ્પ.

જુનિયર મહિલા હોકીમાં ભારતની ઐતિહાસિક જીત, પાકિસ્તાનને 19-0થી હરાવ્યું

જુનિયર મહિલા હોકીમાં ભારતની ઐતિહાસિક જીત, પાકિસ્તાનને 19-0થી હરાવ્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની જુનિયર મહિલા હોકી ટીમે ગુરુવારે ચીનના મોક્વી ખાતે રમાયેલી જુનિયર એશિયા કપની ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 19-0થી હરાવ્યું છે. આ સાથે ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જુનિયર મહિલા હોકીમાં ભારતની આ સૌથી મોટી જીત છે. પાકિસ્તાની ટીમ આખી મેચમાં એક પણ ગોલ કરી શકી નહીં.

ભારતે પહેલા હાફમાં 10 અને બીજા હાફમાં 9 ગોલ કર્યા. પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતે 5 ગોલ કરી દીધા હતા. પૂજા સાહુએ 7મી મિનિટે પહેલો ગોલ કર્યો, રોશની ઐંદેએ 9મી મિનિટે, તનુશ્રી દિનેશ કડુએ 11મી મિનિટે, તો સુખવીર કૌર અને સાનિકા ચંદ્રકાંત માનેએ 13મી મિનિટે ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં મધુ સિદાર, ગીતા યાદવ, સાનિકા માને, તનુજા ટોપ્પો અને પૂજા મલિકે ગોલ કર્યા, જેથી હાફ ટાઇમ સુધી ભારત 10-0થી આગળ હતું.

ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણિમા યાદવ, મધુ સિદાર અને સુપ્રિયાએ ગોલ કર્યા. છેલ્લા ક્વાર્ટરમાં કૃષ્ણા શર્મા, પૂજા મલિક, સુપ્રિયા, બિનીમા ધન અને રોશની ઐંદેએ ગોલ કર્યા. પૂજા મલિકે 49મી અને 51મી મિનિટે ગોલ કરીને હેટ્રિક પૂરી કરી, જ્યારે રોશનીએ 60મી મિનિટે ભારતનો 19મો ગોલ કર્યો.

ભારતે આખી મેચ દરમિયાન 18 પેનલ્ટી કોર્નર અને એક પેનલ્ટી સ્ટ્રોક મેળવ્યો. પાકિસ્તાનને એક પણ ગોલ, પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મળ્યો નહીં. હેટ્રિક નોંધાવનાર પૂજા મલિકને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી. સાનિકા ચંદ્રકાંત માને, મધુ સિદાર, સુપ્રિયા અને રોશની ઐંદેએ 2-2 ગોલ કર્યા.

ક્વાર્ટર ફાઇનલ પહેલાં ગ્રુપ સ્ટેજમાં પણ ભારત અજેય રહ્યું હતું. ટીમે જાપાન, મલેશિયા અને સાઉથ કોરિયાને હરાવીને ગ્રુપમાં ટોપ કર્યું હતું, જ્યારે ચીન સામેની મેચ 0-0થી ડ્રો રહી હતી.

ભારત અને પાકિસ્તાનની જુનિયર મહિલા ટીમો પહેલીવાર આમને-સામને રમી હતી. 2023 અને 2024ની જુનિયર એશિયા કપમાં ભારત ચેમ્પિયન રહ્યું હતું, જ્યારે 2021ની ટુર્નામેન્ટ કોવિડને કારણે રદ થઈ ગઈ હતી. હવે ભારત સેમિફાઇનલમાં 12 સપ્ટેમ્બરે સાઉથ કોરિયા અને મલેશિયા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે રમશે.