સત્ય. સાહસ. સંકલ્પ.

જુનિયર મહિલા એશિયા કપ: ભારતે પાકિસ્તાનને 19-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં પ્રવેશ

જુનિયર મહિલા એશિયા કપ: ભારતે પાકિસ્તાનને 19-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં પ્રવેશ

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે જુનિયર એશિયા કપના ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 19-0થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા જુનિયર હોકીમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પહેલા હાફમાં 10 અને બીજા હાફમાં 9 ગોલ કર્યા. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં જ 5 ગોલ કરી દીધા હતા. પૂજા સાહુએ 7મી મિનિટે ગોલ કરીને ખાતું ખોલ્યું, રોશની ઐંદે 9મી, તનુશ્રી દિનેશ કડુએ 11મી, સુખવીર કૌરે 13મી અને સાનિકા માનેએ 13મી મિનિટે ગોલ કર્યો.

બીજા ક્વાર્ટરમાં મધુ સિદાર, ગીતા યાદવ, સાનિકા માને, તનુજા ટોપ્પો અને પૂજા મલિકે ગોલ કર્યા. હાફ ટાઇમ સુધી ભારત 10-0થી આગળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણિમા યાદવ, મધુ સિદાર અને સુપ્રિયાએ ગોલ કર્યા. છેલ્લા ક્વાર્ટરમાં કૃષ્ણા શર્મા, પૂજા મલિક, સુપ્રિયા, બિનીમા ધન અને રોશની ઐંદે ગોલ કર્યા.

ભારતની પૂજા મલિકે હેટ્રિક નોંધાવી. તેણે 49મી અને 51મી મિનિટે ગોલ કરીને હેટ્રિક પૂરી કરી. સાનિકા ચંદ્રકાંત માને, મધુ સિદાર અને સુપ્રિયાએ 2-2 ગોલ કર્યા. રોશની ઐંદે પણ 2 ગોલ કર્યા. રોશનીએ 60મી મિનિટે ભારતનો 19મો ગોલ કર્યો. પૂજા મલિકને પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરવામાં આવી.

ભારતે આખી મૅચમાં 18 પેનલ્ટી કોર્નર અને એક પેનલ્ટી સ્ટ્રોક મેળવ્યો. પાકિસ્તાનને આખી મૅચમાં ન તો ગોલ મળ્યો, ન પેનલ્ટી કોર્નર અને ન જ પેનલ્ટી સ્ટ્રોક.

ભારતે ક્વાર્ટર ફાઇનલ પહેલાં ગ્રુપ સ્ટેજમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે જાપાન, મલેશિયા અને સાઉથ કોરિયાને હરાવીને પોતાના ગ્રુપમાં ટોપ કર્યું હતું. ટુર્નામેન્ટમાં ચીન સામે ભારતનો છેલ્લો મુકાબલો 0-0થી ડ્રો રહ્યો હતો.

ભારત હવે સેમિફાઇનલમાં સાઉથ કોરિયા અને મલેશિયા વચ્ચે થનારા ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે રમશે. સેમિફાઇનલ 12 સપ્ટેમ્બરે થશે.

ભારત અને પાકિસ્તાનની જુનિયર મહિલા ટીમો ગુરુવારે પહેલીવાર આમને-સામને હતી. જુનિયર એશિયા કપના 2023 અને 2024 એડિશનમાં ભારત ચેમ્પિયન રહ્યું હતું, જ્યારે 2021ની ટુર્નામેન્ટ કોવિડને કારણે રદ થઈ ગઈ હતી.