સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ હોકી સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાવ, 1 ઑક્ટોબરે નાગોયામાં મુકાબલો

એશિયન ગેમ્સ હોકી સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાવ, 1 ઑક્ટોબરે નાગોયામાં મુકાબલો

એશિયન ગેમ્સની હોકી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ 1 ઑક્ટોબરે જાપાનના નાગોયામાં રમાશે. સોમવારે ભારતે બાંગ્લાદેશને 10-0થી હરાવીને પૂલ-Aમાં ટોચનું સ્થાન મેળવ્યું. ભારતની આ સતત પાંચમી જીત છે.

ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે હેટ્રિક ફટકારી. શિલાનંદ લાકડાએ બે ગોલ કર્યા, જ્યારે જુગરાજ સિંહ, સુખજીત સિંહ, અભિષેક, સંજય અને મનદીપ સિંહે પણ એક-એક ગોલ કર્યો.

મેચની શરૂઆતમાં જ ભારતે દબાણ બનાવ્યું. ત્રીજી મિનિટે અભિષેકે રિવર્સ સ્કૂપથી ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતને અનેક પેનલ્ટી કોર્નર મળ્યા, પણ બાંગ્લાદેશના ડિફેન્સે કેટલાક પ્રસંગોમાં ગોલ અટકાવ્યા. પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0થી આગળ હતું. આ દરમિયાન ગોલકીપર સૂરજ કરકેરાએ તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી અને બાંગ્લાદેશના શરૂઆતના પેનલ્ટી કોર્નર પર મહત્વપૂર્ણ બચાવ કર્યો.

બીજા ક્વાર્ટરમાં ભારતે દબાણ વધાર્યું. જુગરાજ સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને સ્કોર 2-0 કર્યો. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતની લીડ 3-0 કરી. હાફ ટાઈમ સુધી આ જ સ્કોર રહ્યો.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પાંચ ગોલ ફટકાર્યા. ક્વાર્ટરની શરૂઆતમાં જ સુખજીત સિંહે ફીલ્ડ ગોલ કરીને ભારતને 4-0થી આગળ કરી દીધું. ત્યારબાદ હરમનપ્રીતે વધુ એક પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો. પછી શિલાનંદ લાકડાએ બે ગોલ કર્યા અને હરમનપ્રીતે તેનો ત્રીજો ગોલ કરીને હેટ્રિક પૂર્ણ કરી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધી ભારત 8-0થી આગળ હતું. હરમનપ્રીતે ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યા.

છેલ્લા ક્વાર્ટરમાં ભારતે શરૂઆતમાં ગોલ કર્યો નહોતો, પણ અંતિમ મિનિટોમાં બે ગોલ થયા. સંજયે 59મી મિનિટે અને મનદીપ સિંહે 60મી મિનિટે ગોલ કરીને ભારતને 10-0થી મોટી જીત અપાવી.

મેચ દરમિયાન ભારે વરસાદ થયો, જેના કારણે મેદાન અને બંને ટીમના ખેલાડીઓ ભીંજાઈ ગયા અને બોલને ઝડપથી આગળ લઈ જવો મુશ્કેલ બન્યો. વરસાદના કારણે મેચની શરૂઆત પણ 30 મિનિટ મોડી થઈ હતી.

એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન 8 વખત આમને-સામને આવ્યા છે, જેમાં પાકિસ્તાને 6 અને ભારતે 2 ફાઇનલ જીતી છે. ભારતે 1966ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને 1958, 1962, 1970, 1974, 1978, 1982 અને 1990ની ફાઇનલ જીતી હતી. એશિયન ગેમ્સ હોકીમાં પાકિસ્તાને કુલ 8 ગોલ્ડ અને ભારતે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ મુકાબલા પહેલાં બંને ટીમો 2026 હોકી વર્લ્ડ કપમાં પણ ટકરાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું હતું. આ જીતથી ભારત વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં પહોંચ્યું હતું.