આઈસીસી એક દિવસીય વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 10 ઓક્ટોબર, 2027ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ગ્રુપ-એ નો ભાગ છે, જેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને એક ક્વોલિફાયર ટીમ પણ છે.
જો બંને ટીમો ગ્રુપ સ્ટેજ પાર કરે તો તેમની વચ્ચે બીજી ટક્કર 7 નવેમ્બર, 2027ના રોજ કેપટાઉનમાં થઈ શકે છે. સુપર 7 રાઉન્ડમાં ભારતને એ1 અને પાકિસ્તાનને એ3 તરીકે પહેલેથી સીડ કરવામાં આવ્યા છે, તેથી બંને ટીમો આ રાઉન્ડ સુધી પહોંચે તો આ મેચ નિશ્ચિત થઈ જશે.
સુપર 7માં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ક્રોસ-મેચ ફોર્મેટને કારણે સેમિફાઇનલમાં પણ ભારત અને પાકિસ્તાન સામસામે આવી શકે છે. અને જો બંને ટીમો તેમની અલગ-અલગ સેમિફાઇનલ જીતે તો 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં ફાઇનલમાં પણ આ જ ટીમો ટકરાઈ શકે છે. એટલે કે ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે મહત્તમ ત્રણ મેચ થવાની શક્યતા છે.
વર્લ્ડ કપ 2027માં કુલ 14 ટીમો ભાગ લેશે. મુખ્ય ટૂર્નામેન્ટ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી ચાલશે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર 7 રાઉન્ડ, ત્યારબાદ 17 અને 18 નવેમ્બરે સેમિફાઇનલ તથા 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં ફાઇનલ રમાશે.
આ ત્રણેય મેચની શક્યતા બંને ટીમોના ટૂર્નામેન્ટમાં પ્રદર્શન પર નિર્ભર છે. દરેક તબક્કામાં ક્વોલિફાય કરવું પડશે તો જ આ મુકાબલા શક્ય બનશે.