ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણીની મેચો ન્યૂઝીલેન્ડમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જે ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યા છે. સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડમાં ડે-નાઈટ મેચ સાંજે 6 વાગ્યે શરૂ થાય છે, પરંતુ આ શ્રેણીમાં સમય બે કલાક મોડો રાખવામાં આવ્યો છે. આ વિલંબ ટીમ ઈન્ડિયા માટે પડકારરૂપ બની શકે છે.
ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રાત્રે 8 વાગ્યે તાપમાનમાં ઘટાડો થાય છે અને ઠંડા પવન ફૂંકાય છે. સ્ટેડિયમની પાછળ પર્વતો હોવાને કારણે ઝાકળ પણ પડે છે. ટીમ ઈન્ડિયાએ બપોરે પ્રેક્ટિસ કરી છે, પરંતુ મેચ રાત્રે હોવાથી ખેલાડીઓને હવામાન સાથે અનુકૂળ થવામાં મુશ્કેલી પડી શકે છે.
હેગલી ઓવલની પિચ પર બોલ સ્વિંગ થાય છે, જે ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અહીં સેટ થયા પછી રન બનાવી શકાય છે, પરંતુ શરૂઆતમાં છગ્ગા મારવા મુશ્કેલ છે.
હેગલી ઓવલ ખાતે અત્યાર સુધી 19 T20 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 9 અને રનચેઝ કરનારી ટીમે 10 મેચ જીતી છે. અહીં સરેરાશ પ્રથમ ઇનિંગનો સ્કોર 159 છે, જ્યારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 129 છે. સૌથી વધુ સ્કોર ઇંગ્લેન્ડનો 236 રન છે, જ્યારે સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશ મહિલા ટીમનો 32 રન છે. સૌથી મોટો રનચેઝ 177 રન છે, જે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે હાંસલ કર્યો હતો.