સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં કેપ્ટન બદલાયો: ગિલની જગ્યાએ ઐયરને કમાન

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં કેપ્ટન બદલાયો: ગિલની જગ્યાએ ઐયરને કમાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડ સામેની આગામી 5 મેચની વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટીમમાં કેપ્ટનશિપને લઈને મોટો ફેરફાર જોવા મળ્યો છે. શ્રેયસ ઐયરને શ્રેણીની અંતિમ બે મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલ પ્રથમ ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ આગામી ટેસ્ટ શ્રેણી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારત 5 T20, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. વન-ડે શ્રેણીની 5મી મેચ (15 નવેમ્બર) અને પ્રથમ ટેસ્ટ (19 નવેમ્બર) વચ્ચે ખૂબ ઓછો સમય છે. તેથી ખેલાડીઓનો વર્કલોડ ઘટાડવા અને ટેસ્ટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગિલ અને કેએલ રાહુલને અંતિમ બે વન-ડેમાંથી આરામ આપવામાં આવ્યો છે.

શ્રેણીની પ્રથમ ત્રણ મેચ 4, 7 અને 10 નવેમ્બરે અનુક્રમે ઓકલેન્ડ, વેલિંગ્ટન અને હેમિલ્ટનમાં રમાશે. અંતિમ બે મેચ 13 અને 15 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

પ્રથમ ત્રણ વન-ડે માટે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ.

અંતિમ બે વન-ડે માટે ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.

ઝારખંડના યુવા વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના આધારે પ્રથમ વખત સિનિયર વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. તિલક વર્માએ પણ ટીમમાં વાપસી કરી છે. આ પસંદગી દ્વારા પસંદગીકારોએ ભવિષ્યની મોટી ટુર્નામેન્ટ માટે બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાનો સંકેત આપ્યો છે.