ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ શરૂઆતમાં જ ટીમને ઝટકો લાગ્યો. સંજુ સેમસન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ બે ઓવરમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી શક્યા નહીં.
વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર રોસ્ટન ચેઝે પહેલી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા. ચારેય રન સિંગલ્સમાંથી આવ્યા. બીજી ઓવરમાં ઝડપી બોલર શમર જોસેફે બોલિંગ કરી, જેમાં ભારતે સંજુ સેમસનની વિકેટ ગુમાવી અને માત્ર સાત રન બનાવ્યા, જેમાંથી ચાર બાય દ્વારા મળ્યા. આમ, બે ઓવર બાદ ભારતનો સ્કોર એક વિકેટે 11 રન હતો.
આ આંકડો ભારતીય ટીમની આક્રમક બેટિંગ શૈલીથી અલગ હતો. 2024થી 2026 સુધીમાં ભારતે 76 T20 મેચ રમી, અને દરેક મેચમાં પ્રથમ 12 બોલમાં ઓછામાં ઓછી એક બાઉન્ડ્રી ફટકારી હતી. 33 મહિના પછી પહેલી વાર ભારતીય ઓપનરોએ પ્રથમ બે ઓવરમાં કોઈ બાઉન્ડ્રી ફટકારી નહીં. છેલ્લે જાન્યુઆરી 2024માં આવું બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતે 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં અને 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઓપનિંગ જોડીની ઝડપી શરૂઆત ટીમની તાકાત રહી છે, પરંતુ ઈન્દોરમાં આ જોડી ધીમી પડી.