સત્ય. સાહસ. સંકલ્પ.

અજિત અગરકરના કાર્યકાળ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? પ્રજ્ઞાન ઓઝાને મળી જવાબદારી

અજિત અગરકરના કાર્યકાળ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? પ્રજ્ઞાન ઓઝાને મળી જવાબદારી

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂરી થયા બાદ હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસની તૈયારીમાં છે. આ પ્રવાસમાં ભારત 5 T20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. પણ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તો હવે આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે?

સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલો પ્રમાણે, BCCI પાંચ સભ્યોની નવી પસંદગી સમિતિની કાયમી જાહેરાત કરે તે પહેલાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટીમ જાહેર કરી દેશે. આ માટે ભારતના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને પસંદગી સમિતિના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવા મુખ્ય પસંદગીકારની નિમણૂક ન થાય ત્યાં સુધી આ હંગામી ગોઠવણ ચાલુ રહેશે કે નહીં, એ હજુ સ્પષ્ટ નથી.

5 થી 11 ઓક્ટોબર વચ્ચે કોઈપણ દિવસે ટીમની પસંદગી માટે બેઠક થવાની શક્યતા છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થાય છે.

આ પ્રવાસ ભારત માટે ભવિષ્યની મોટી ટુર્નામેન્ટની દૃષ્ટિએ ખૂબ મહત્વનો છે. 2 ઓક્ટોબર 2027થી શરૂ થનારા વનડે વર્લ્ડ કપની તૈયારી માટે આ 5 વનડે મેચ ઉપયોગી સાબિત થશે. વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ આશા વ્યક્ત કરી છે કે આગળની શ્રેણીમાં ભારતના મુખ્ય ખેલાડીઓ પાંચેય 50-ઓવરની મેચ માટે ઉપલબ્ધ રહેશે.

બીજી તરફ, ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027ની ફાઇનલમાં પહોંચવા માટે પણ નિર્ણાયક છે. પોતાનું સ્થાન જાળવી રાખવા ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી જીતવી પડશે.

ટેસ્ટ ટીમની પસંદગીમાં કેટલાક યુવા ચહેરાઓ પર નજર રહેશે. 4 ઓક્ટોબરે રમાયેલી ઈરાની કપની મેચમાં જમ્મુ-કાશ્મીર સામે રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતા બંગાળના ફાસ્ટ બોલર મુકેશ કુમારે બીજી ઇનિંગમાં 6 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના આ સ્પેલની મદદથી ઋષભ પંતની આગેવાનીવાળી ટીમે 167 રનથી જીત મેળવી હતી. આ પ્રદર્શન બાદ મુકેશ કુમાર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં વાપસી કરી શકે છે. તેની સાથે આકાશ દીપ પણ વિદેશી ટેસ્ટ શ્રેણીમાં સ્થાન મેળવવા મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

પ્રજ્ઞાન ઓઝાની અધ્યક્ષતામાં થનારી પસંદગી બેઠકમાં કુલ 4 અલગ-અલગ ટીમો પસંદ કરવામાં આવશે: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ T20 શ્રેણી, ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ODI શ્રેણી, ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી અને ભારત A વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ A.