સત્ય. સાહસ. સંકલ્પ.

હેમિલ્ટનમાં આજે ત્રીજી વનડે: સેડન પાર્કમાં ભારતનો રેકોર્ડ નબળો, સીરીઝ અજેય બનાવવાની નજર

હેમિલ્ટનમાં આજે ત્રીજી વનડે: સેડન પાર્કમાં ભારતનો રેકોર્ડ નબળો, સીરીઝ અજેય બનાવવાની નજર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સીરીઝની ત્રીજી મેચ મંગળવારે, 10 નવેમ્બરે હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સવારે 7 વાગ્યે થશે. આ મેદાન પર વરસાદની શક્યતા પણ છે.

ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી મેચ જીતીને ભારત સીરીઝમાં અજેય બઢત મેળવી શકે છે. ન્યુઝીલેન્ડ માટે આ મેચ સીરીઝમાં ટકી રહેવા માટે કરો-યા-મરોની છે.

સેડન પાર્ક સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધી 12 વનડે રમાઈ છે, જેમાં ભારતને માત્ર 3 મેચમાં જીત મળી છે. મંગળવારની મેચ ભારતની અહીં 13મી વનડે હશે.

આ મેદાન પર પહેલી વનડે 15 ફેબ્રુઆરી, 1981ના રોજ રમાઈ હતી, જે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે જ હતી. તે મેચમાં ન્યુઝીલેન્ડ 57 રનથી જીત્યું હતું. ત્યારબાદ ભારતે અહીં ઓસ્ટ્રેલિયા સામે પણ હાર સહન કરી હતી. આ મેદાન પર ભારતની પહેલી જીત 1992માં ઝિમ્બાબ્વે સામે થઈ હતી.

સેડન પાર્કમાં રમાયેલી 12 વનડેમાં ભારતની એક જીત ન્યુઝીલેન્ડ સામે છે, જ્યારે ન્યુઝીલેન્ડે ભારતને 6 વખત હરાવ્યું છે. અહીં કુલ 43 વનડે રમાઈ છે, જેમાંથી 23 વાર લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી છે.

આ મેદાન પર સૌથી મોટો વનડે સ્કોર વેસ્ટ ઈન્ડીઝના નામે છે, જેણે 2014માં ન્યુઝીલેન્ડ સામે 363 રન બનાવ્યા હતા. બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે, જેણે 2007માં ઓસ્ટ્રેલિયા સામે 350 રન બનાવ્યા હતા. ભારતનો અહીંનો સૌથી મોટો સ્કોર 347 રન છે, જે 2020માં ન્યુઝીલેન્ડ સામે બન્યો હતો. તે મેચમાં વિરાટ કોહલીએ 51 રનની અડધી સદી અને શ્રેયસ અય્યરે 103 રનની સદી ફટકારી હતી.