સત્ય. સાહસ. સંકલ્પ.

અમ્પાયરિંગ વિવાદ: શુભમન ગિલનો ગુસ્સો, ફિલિપ્સને જીવનદાન

અમ્પાયરિંગ વિવાદ: શુભમન ગિલનો ગુસ્સો, ફિલિપ્સને જીવનદાન

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગનો એક નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે યોગ્ય સાબિત થયો. ભારતીય બોલરોએ શરૂઆતના સેશનમાં જ ન્યૂઝીલેન્ડની ચાર વિકેટ ઝડપી લીધી હતી. બીજા સેશનની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડે પાંચમી વિકેટ પણ ગુમાવી દીધી હતી અને ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી.

ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ બેટિંગ માટે આવ્યા. તેમને પણ આઉટ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ થર્ડ અમ્પાયરના એક નિર્ણયે આખું ચિત્ર બદલી નાખ્યું. આ ઘટના ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગની 31મી ઓવરમાં બની હતી. જસપ્રીત બુમરાહના ત્રીજા બોલ પર ભારતે ગ્લેન ફિલિપ્સ સામે LBW માટે DRS લીધો હતો. બોલ બેટની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકોમીટર પર મોટો સ્પાઇક જોવા મળ્યો હતો, પરંતુ ફ્રન્ટ-ઓન રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાઈ રહ્યું હતું.

થર્ડ અમ્પાયર પૉલ રાઇફલે નિર્ણય આપ્યો કે બોલ બેટની અંદરની કિનારી સાથે અથડાયો હતો. પરિણામે તેમણે મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થના નોટઆઉટ નિર્ણયને યથાવત રાખ્યો અને ગ્લેન ફિલિપ્સ આઉટ થતા બચી ગયા. આ નિર્ણયથી ભારતીય કેપ્ટન શુભમન ગિલ નારાજ થયા હતા અને તેમણે મેદાન પર અમ્પાયર સાથે ચર્ચા પણ કરી હતી. ભારતની તરફેણમાં નિર્ણય ન આવતાં ટીમે એક DRS પણ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલાં ત્રીજી ઓવરમાં ડેવોન કોનવે અને 27મી ઓવરમાં ટોમ બ્લંડેલ સામે પણ DRS લીધો હતો, જેમાં બંને વખતે બુમરાહ જ બોલિંગ કરી રહ્યા હતા.

બીજી તરફ, હેનરી નિકોલ્સે શાનદાર બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. તેમણે ટેસ્ટ કારકિર્દીની 12મી સદી ફટકારી હતી. નિકોલ્સ ત્રીજા ક્રમે બેટિંગ માટે આવ્યા હતા અને તેમણે પોતાની સામે ચાર બેટ્સમેનોને પેવેલિયન પરત ફરતા જોયા હતા. જોકે, તેમણે ગ્લેન ફિલિપ્સ સાથે મળીને અત્યાર સુધી 144 રનની ભાગીદારી નોંધાવી છે. સવારના 10:30 વાગ્યા સુધીમાં ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટના નુકસાન પર 214 રન બનાવી લીધા હતા. હાલમાં ફિલિપ્સ 78 રન અને નિકોલ્સ 100 રન બનાવીને ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડની પાંચમી વિકેટ 70 રનના સ્કોર પર પડી હતી. આ પહેલાં બુમરાહે ટોમ બ્લંડેલ (5), ટોમ લાથમ (0) અને ડેરિલ મિચેલ (1)ને આઉટ કર્યા હતા, જ્યારે અંશુલ કંબોજે ડેવોન કોનવે (4) અને આકાશ દીપે રચિન રવીન્દ્ર (15)ને પેવેલિયન મોકલ્યા હતા.