સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ: પ્રથમ 3 ODIમાં ગિલ કેપ્ટન, છેલ્લી 2માં અય્યર; બુમરાહ ફક્ત ટેસ્ટમાં

ન્યૂઝીલેન્ડ પ્રવાસ: પ્રથમ 3 ODIમાં ગિલ કેપ્ટન, છેલ્લી 2માં અય્યર; બુમરાહ ફક્ત ટેસ્ટમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ T-20 સિરીઝ પૂરી થયા બાદ 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. સિલેક્શન કમિટીએ બંને ફોર્મેટ માટે અલગ-અલગ ટીમ પસંદ કરી છે.

આ કુલ 7 મેચ માટે 3 સ્કવોડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 2 સ્કવોડ વન-ડે સિરીઝ માટે છે. ODIના નિયમિત કેપ્ટન શુભમન ગિલ પ્રથમ ત્રણ વન-ડેમાં ટીમની કમાન સંભાળશે. જ્યારે ચોથી અને પાંચમી વન-ડેમાં શ્રેયસ અય્યર કેપ્ટનશિપ કરશે. ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સામેલ કેટલાક ખેલાડીઓ પ્રથમ ત્રણ ODI રમ્યા બાદ રેડ બોલ સિરીઝની તૈયારી માટે છેલ્લી બે વન-ડેમાં નહીં રમે.

ઈજા છતાં સ્ટાર વિકેટકીપર રિષભ પંત અને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણની પસંદગી કરવામાં આવી છે. જોકે, બંનેને પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. વન-ડે સિરીઝ માટે 21 વર્ષીય યુવા વિકેટકીપર-બેટર કુમાર કુશાગ્રને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

જસપ્રીત બુમરાહને T20I પછી ODI ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તે સીધો ટેસ્ટ સિરીઝ રમશે. જ્યારે રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ટેસ્ટ ટીમમાં 16 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. શુભમન ગિલની કેપ્ટનશિપમાં રિષભ પંત અને ધ્રુવ જુરેલ વિકેટકીપર તરીકે ટીમનો ભાગ છે. પંતની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર છે.

વન-ડે ટીમમાં પ્રથમ ત્રણ મેચ માટે કેએલ રાહુલ વિકેટકીપર રહેશે, જ્યારે છેલ્લી બે વન-ડે માટે ઈશાન કિશન વિકેટકીપિંગ કરશે. ઈશાન કિશનને છેલ્લી બે વન-ડેમાં વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું 4 વર્ષ બાદ કમબેક થયું છે. તેણે પોતાની છેલ્લી મેચ 2022માં રમી હતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં યથાવત્ છે.

ન્યૂઝીલેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.