સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-ન્યૂઝીલેન્ડ આજે નિર્ણાયક વન-ડે: સિરીઝ 2-1થી આગળ, જીત્યા તો 7 વર્ષ પછી કિવી ધરતી પર ટ્રોફી

ભારત-ન્યૂઝીલેન્ડ આજે નિર્ણાયક વન-ડે: સિરીઝ 2-1થી આગળ, જીત્યા તો 7 વર્ષ પછી કિવી ધરતી પર ટ્રોફી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે સવારે 7:30 વાગ્યે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમ સિરીઝ પર કબ્જો જમાવવા ઉતરશે. ભારત હાલ સિરીઝમાં 2-1થી આગળ છે.

જો ભારત આ મેચ જીતી જાય તો સાત વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર તે વન-ડે સિરીઝ જીતશે. ભારતે છેલ્લે 2019માં ત્યાં પાંચ મેચની સિરીઝ 4-1થી જીતી હતી. ત્યારબાદ 2020માં 3-0 અને 2022માં 1-0થી હાર મળી હતી. 2019 પછી ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે કોઈ બે-દેશ વચ્ચેની વન-ડે સિરીઝ ગુમાવી નથી.

છેલ્લી મેચમાં ભારતને 244 રનની ભારે હાર મળી હતી. ન્યૂઝીલેન્ડે 333 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતીય ટીમ 89 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર પછી ટીમની બેટિંગમાં સાતત્યતાના પ્રશ્નો ઉઠ્યા છે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ

વન-ડે ક્રિકેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 127 મુકાબલા રમાયા છે. તેમાં ભારતે 65 અને ન્યૂઝીલેન્ડે 53 મેચ જીતી છે. 8 મેચ અનિર્ણિત રહી છે અને 1 ટાઈ થઈ છે. જોકે ન્યૂઝીલેન્ડની ધરતી પર યજમાન ટીમનો રેકોર્ડ સારો છે. ત્યાં રમાયેલી 49 મેચમાં ભારતે માત્ર 16 જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 27 મેચમાં જીત મેળવી છે.

બોલિંગમાં ફેરફાર નિશ્ચિત

છેલ્લી મેચમાં 6 વિકેટ લઈને ભારતની ઇનિંગ્સ સમેટનાર ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરી ટેસ્ટની તૈયારી માટે ટીમમાંથી રિલીઝ થઈ ચૂક્યો છે. કાઇલ જેમીસન પણ ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

ભારતના ઝડપી બોલર ગુરનૂર બરાર પણ આ મેચ નહીં રમે, કારણ કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. ગુરનૂર સિરીઝમાં ભારતના સૌથી સફળ બોલર રહ્યો છે, તેણે ચાર મેચમાં 9 વિકેટ લીધી છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.

કોહલી અને રોહિતના ફોર્મ પર નજર

સિરીઝમાં ભારતની બેટિંગમાં સાતત્યતાનો અભાવ દેખાયો છે. વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં મહત્વની ઇનિંગ્સ રમી હતી, પરંતુ ત્યારબાદ તે 7 અને 0 રન પર આઉટ થયો હતો. ચાર મેચમાં તેના નામે કુલ 81 રન છે. વન-ડેમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય બેટરોમાં કોહલી સચિન તેંડુલકર સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે, બંને 20-20 વખત શૂન્ય પર આઉટ થયા છે.

રોહિત શર્મા પણ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડમાં વન-ડે સદી ફટકારી શક્યો નથી. ન્યૂઝીલેન્ડમાં આ તેનો અને કોહલીનો છેલ્લો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હોઈ શકે છે. ગત મેચમાં બંને શૂન્ય પર આઉટ થયા હતા.

યંગ ટોપ સ્કોરર

ચાર મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિલ યંગ 140 રન સાથે સિરીઝના ટોપ સ્કોરર છે. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ એક મેચમાં 6 વિકેટ લઈને સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેકબ ડફી અને કાઇલ જેમીસનના નામે પણ 6-6 વિકેટ છે.

સિરીઝમાં 32 ખેલાડીઓને તક

ઇજા અને ટેસ્ટ મેચની તૈયારીને કારણે બંને ટીમોએ સતત ફેરફાર કરવા પડ્યા છે. સિરીઝમાં અત્યાર સુધી કુલ 32 ખેલાડીઓ મેદાન પર ઉતર્યા છે. ન્યૂઝીલેન્ડે 18 અને ભારતે 14 ખેલાડીઓને તક આપી છે. ન્યૂઝીલેન્ડે અગાઉ કોઈ એક વન-ડે સિરીઝમાં આટલા ખેલાડીઓનો ઉપયોગ કર્યો નથી. કોઈ પણ ટીમ દ્વારા એક સિરીઝમાં સૌથી વધુ ખેલાડીઓને ઉતારવાનો રેકોર્ડ 21નો છે.

પીચ પર ઝડપી બોલરોને મદદ

બે ઓવલમાં નવા બોલ સાથે ઝડપી બોલરોને મદદ મળી છે. છેલ્લી મેચમાં બપોરના સમયે પણ પીચે બોલરોનો સાથ આપ્યો હતો. આ મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ ડે-નાઇટ ODI મેચમાં ચાર વખત ટાર્ગેટ ડિફેન્ડ કરનારી ટીમ હારી છે, પરંતુ છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે આ પાંચમાંથી પહેલી વાર ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.

ભારતે સિરીઝની ચારેય મેચમાં ટૉસ જીત્યો છે અને ટીમ સતત 7 વન-ડે ટૉસ જીતી ચૂકી છે. આ પહેલાં ભારતે 1998માં સતત 9 ટૉસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

હવામાન અને સંભવિત પ્લેઇંગ-11

રવિવારે માઉન્ટ માઉંગાનુઈમાં હવામાન સ્વચ્છ રહેવાની આગાહી છે, વરસાદની કોઈ શક્યતા નથી.

ભારત: રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકીબ નબી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ/યશ ઠાકુર અને અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ: ટિમ સેફર્ટ (વિકેટકીપર), વિલ યંગ, નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ/મિચ હે, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક/જોશ ક્લાર્કસન, મેટ ફિશર, જેકબ ડફી અને બ્લેર ટિકનર/બ્રેટ રેન્ડેલ.