સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો, અર્શદીપે ફિન એલનને પવેલિયન ભેગો કર્યો

ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો, અર્શદીપે ફિન એલનને પવેલિયન ભેગો કર્યો

હેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાઈ રહેલી પાંચમી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૯૧ રન બનાવ્યા.

ભારત તરફથી ઈશાન કિશને ૬૧ રનની ઝડપી ફિફ્ટી ફટકારી, જ્યારે શ્રેયસ અય્યરે ૫૦ રનની ઇનિંગ્સ રમી. નમન ધીરે ૩૩ રન અને નીતિશ રેડ્ડીએ ૨૨ રનનું યોગદાન આપ્યું. ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્નેએ ૪ વિકેટ ઝડપી, જ્યારે નાથન સ્મિથ અને બ્લેર ટિકનરે ૨-૨ વિકેટ લીધી.

જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૪ ઓવરના અંતે ૧ વિકેટ ગુમાવીને ૨૫ રન બનાવ્યા છે. ટીમ તરફથી ટિમ સેફર્ટ અને ડેરીલ મિચેલ ક્રીઝ પર છે. અર્શદીપ સિંહે બીજી ઓવરના ત્રીજા બોલ પર ફિન એલનને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો. એલને ૩ બોલમાં ૨ રન બનાવ્યા.

ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં ૬ રન આપ્યા. તેણે શરૂઆતમાં ૪ બોલમાં માત્ર ૨ રન આપ્યા, પરંતુ પાંચમા બોલ પર ચોગ્ગો લાગ્યો.

ચોથી ઓવરમાં નમન ધીરે ટિમ સેફર્ટનો સરળ કેચ છોડી દીધો. અર્શદીપના ત્રીજા બોલ પર સેફર્ટે શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ એજ લઈને ડીપ થર્ડ તરફ ગયો, જ્યાં ધીરે કેચ છોડી દીધો. તે સમયે સેફર્ટ ૧૩ રન પર રમી રહ્યો હતો.

ભારતીય ઇનિંગ્સમાં ઈશાન કિશન ૩૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ સિક્સરની મદદથી ૬૧ રન બનાવીને આઉટ થયો. તેણે ૧૦.૨ ઓવરમાં બ્લેર ટિકનરના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટ પર યોગ્ય રીતે આવ્યો નહીં અને ડીપ મિડવિકેટ પર ઊભેલા નાથન સ્મિથે કેચ પકડી લીધો.

શ્રેયસ અય્યરે ૨૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી ૫૦ રન બનાવ્યા. તેણે નાથન સ્મિથના બોલ પર ચોગ્ગો લગાવીને ફિફ્ટી પૂરી કરી, પરંતુ તે જ ઓવરના ત્રીજા બોલ પર શોર્ટ બોલ પર પુલ શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો. બોલ બેટની આઉટસાઇડ એજ લઈને વિકેટકીપર ટિમ સેફર્ટના હાથમાં ગયો.

તિલક વર્મા ૮ બોલમાં ૬ રન બનાવીને આઉટ થયો. ૧૩.૪ ઓવરમાં નાથન સ્મિથે તેને કેચ એન્ડ બોલ્ડ કર્યો. તે પહેલા ૧૩.૨ ઓવરમાં ફિન એલને તેનો કેચ પકડ્યો હતો, પરંતુ નાથન સ્મિથનો પગ ક્રીઝથી બહાર હોવાના કારણે બોલ નો-બોલ નીકળ્યો હતો.

નમન ધીર ૩૩ રન બનાવીને ૧૯મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો. બ્લેર ટિકનરે તેને કેચ આઉટ કરાવ્યો. અગાઉ તેણે ઈશાન કિશનને પણ પવેલિયન ભેગો કર્યો હતો.

છેલ્લી ઓવરમાં એડમ મિલ્નેએ નીતિશ રેડ્ડી (૨૨)ને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ કરાવ્યો અને ભુવનેશ્વર કુમાર (૬)ને ડેરીલ મિચેલના હાથે કેચ કરાવ્યો. મિલ્નેએ પોતાની ૪ ઓવરમાં ૧૯ રન આપીને ૪ વિકેટ લીધી.

ભારતીય ઇનિંગ્સ દરમિયાન ૧૦મી ઓવરમાં માઈકલ બ્રેસવેલની ઓવરમાં ૨૭ રન બન્યા, જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને ૩ સિક્સર અને ૨ ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાં બ્લેર ટિકનરે શોર્ટ ફાઈન પર શ્રેયસનો કેચ પણ છોડ્યો.