સત્ય. સાહસ. સંકલ્પ.

દેશના 25 રાજ્યોમાં વરસાડની આગાહી, ગુજરાતમાં પણ 11 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા

દેશના 25 રાજ્યોમાં વરસાડની આગાહી, ગુજરાતમાં પણ 11 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર (લો-પ્રેશર) સર્જાયું છે. તેના કારણે દેશભરમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરથી દેશના 25 જેટલા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલુ છે. નવી સિસ્ટમની સીધી અસર રાજ્યના વાતાવરણ પર થશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 11 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે અને કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

ઓડિશા અને છત્તીસગઢમાં લો-પ્રેશરની અસર સૌથી વધુ રહેશે. આ બંને રાજ્યોમાં 11 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નદી-નાળા છલકાઈ જવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 11 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

મધ્યપ્રદેશમાં ચોમાસું જોર પકડશે. પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વ્યાપક વરસાદ થશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં 11 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 12થી 14 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનું જોર વધશે.

દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં 11 સપ્ટેમ્બરે ભારે વરસાદ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઝાટકા સાથે તે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેલંગાણામાં પણ 11 સપ્ટેમ્બરે વ્યાપક વિસ્તારોમાં વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

કેરળ અને માહેમાં 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે.

રાજસ્થાનમાં નવી સિસ્ટમની અસરથી ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર, પૂર્વી રાજસ્થાનના ભરતપુર, જયપુર અને કોટા સંભાગમાં 11 સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદનો નવો તબક્કો શરૂ થશે. 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની સંભાવના છે.

ઉત્તરાખંડમાં 11થી 14 સપ્ટેમ્બર વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હી-એનસીઆરમાં 11 સપ્ટેમ્બરે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. સવારથી બપોર વચ્ચે તથા રાત્રે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે.