સત્ય. સાહસ. સંકલ્પ.

IMC 2026માં દેશી-વિદેશી એડવાન્સ રોબોટ્સ દેખાશે, 6G, AI અને સેટેલાઇટ ઇન્ટરનેટ પર ધ્યાન

IMC 2026માં દેશી-વિદેશી એડવાન્સ રોબોટ્સ દેખાશે, 6G, AI અને સેટેલાઇટ ઇન્ટરનેટ પર ધ્યાન

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC)ની 10મી આવૃત્તિ આજથી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ છે. આ ટેક ઇવેન્ટ 10 ઑક્ટોબર સુધી ચાલશે. એશિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટમાં 100થી વધુ દેશોના 1.5 લાખથી વધુ લોકો ભાગ લેશે. 500 સ્ટાર્ટઅપ્સ સહિત 400થી વધુ કંપનીઓ પોતાના નવા ઇનોવેશન રજૂ કરશે.

આ વખતે ઇવેન્ટમાં 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેટેલાઇટ કમ્યુનિકેશન અને સાઇબર સિક્યોરિટી જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત એડવાન્સ રોબોટ્સ પણ જોવા મળશે.

આ વર્ષની થીમ 'સ્કેલ વિથઆઉટ બાઉન્ડ્રીઝ' એટલે કે 'અવિરત વિસ્તરણ' રાખવામાં આવી છે. સરકારનો હેતુ છે કે 6G અથવા AI જેવી નવી ટેક્નોલોજી માત્ર લેબ અને સંશોધન સુધી મર્યાદિત ન રહે, પરંતુ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય લોકોના કામમાં આવે.

ઇવેન્ટને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે:

1. સૃષ્ટિ: ફ્યુચર ટેક્નોલોજી અને ઇનોવેશન
આ ભાગ ડિજિટલ ટેક્નોલોજી પર કેન્દ્રિત છે. તેમાં 6G ટેક્નોલોજી, AIથી સંચાલિત ટેલિકોમ નેટવર્ક, ક્વાન્ટમ કમ્યુનિકેશન, સેમિકન્ડક્ટર, AI ચિપ્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી અદ્યતન ટેક્નોલોજી દર્શાવવામાં આવશે.

2. સંવર્ધન: બિઝનેસ ગ્રોથ અને 5Gથી કમાણી
આ વિભાગમાં નવી ટેક્નોલોજીને માત્ર સંશોધન લેબ સુધી મર્યાદિત ન રાખીને તેને બજારમાં કેવી રીતે ઉતારી શકાય, તે અંગે ચર્ચા થશે. તેમાં 5G ટેક્નોલોજીથી કમાણીના નવા રસ્તા, સીધા મોબાઇલમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવું, ટેલિકોમ ઉપકરણોનું નિર્માણ, રોબોટિક્સ અને ફેક્ટરીઓમાં ઓટોમેશન જેવા નવા બિઝનેસ મોડલ્સનો સમાવેશ થાય છે.

3. સશક્ત: સસ્ટેનેબિલિટી અને દરેક વર્ગ સુધી પહોંચ
આ વિભાગ ઇકો-ફ્રેન્ડલી ડિજિટલ નેટવર્ક તૈયાર કરવા પર કેન્દ્રિત છે. તેમાં ટેલિકોમમાં ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ, ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ, ગ્રીન એનર્જીથી ખર્ચ ઘટાડવો અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ડિજિટલ સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે.

4. સુરક્ષા: સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ટ્રસ્ટ
આ વિભાગમાં સાયબર હુમલાઓથી બચાવ, સ્પામ અને ઑનલાઇન છેતરપિંડીથી સુરક્ષા, ડેટા પ્રાઇવસી, AIના નિયમો અને સમુદ્રની નીચે પાથરવામાં આવેલી ઇન્ટરનેટ કેબલની સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિષ્ણાતો અને સરકાર વિચારવિમર્શ કરશે.