સત્ય. સાહસ. સંકલ્પ.

માલદીવે ભારતની 150 મિલિયન ડૉલરની લોન પૂરી ચૂકવી, ભારતે 430 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું

માલદીવે ભારતની 150 મિલિયન ડૉલરની લોન પૂરી ચૂકવી, ભારતે 430 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું

માલદીવે 2019માં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) પાસેથી લીધેલી 150 મિલિયન ડૉલર (આશરે 1,100 કરોડ રૂપિયા)ની લોન પૂરી ચૂકવી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, 50 મિલિયન ડૉલર (આશરે 479 કરોડ રૂપિયા)નો છેલ્લો હપ્તો 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ચૂકવવામાં આવ્યો. આ સાથે જ છેલ્લા બે વર્ષથી ચાલી આવતી લોન રોલ-ઓવરની પ્રક્રિયા પૂરી થઈ છે.

જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું, “માલદીવે ટ્રેઝરી બિલની ચુકવણી સફળતાપૂર્વક કરી દીધી છે. SBI દ્વારા માલદીવ સરકાર સાથે 150 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ સબસ્ક્રાઈબ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 મિલિયન ડૉલરના છેલ્લા હપ્તાનું સેટલમેન્ટ 17 સપ્ટેમ્બર, 2026ના રોજ થયું. આ બિલ 2019થી અમલમાં હતા અને અત્યાર સુધીમાં તેને 6 વખત, દર વખતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા.”

જયસ્વાલે એ પણ સ્પષ્ટ કર્યું કે, ટ્રેઝરી બિલની મૂળ રકમ માલદીવ સરકારે ચૂકવી છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં 150 મિલિયન ડૉલરના તમામ ટ્રેઝરી બિલ પરનું વ્યાજ ભારત સરકારે ચૂકવ્યું છે. ભારતે માલદીવની મદદ માટે 45 મિલિયન ડૉલર (આશરે 430 કરોડ રૂપિયા)નું વ્યાજ ચૂકવ્યું છે.

જયસ્વાલે જણાવ્યું કે, ટ્રેઝરી બિલને લાંબા સમય સુધી ટેકો આપવો અને સમયાંતરે તેને રિન્યૂ કરવો એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ (પડોશી પ્રથમ) અને ડેવલપમેન્ટ પાર્ટનરશીપ નીતિનો મહત્વનો ભાગ છે.

ભારત લાંબા સમયથી માલદીવને નાણાકીય સહાય આપી રહ્યું છે. જયસ્વાલે ઉમેર્યું, “ભારતે માલદીવની ફાઇનાન્શિયલ સિસ્ટમને ટેકો આપવા માટે 30 બિલિયન રૂપિયાની કરન્સી સ્વેપ સુવિધા આપી છે. આ ઉપરાંત SBIએ 350 મિલિયન ડૉલર (આશરે 3,360 કરોડ રૂપિયા)ના ટ્રેઝરી બોન્ડ પણ ખરીદ્યા છે, જે 2029 અને 2030 સુધી માન્ય છે.”