મુંબઈ: ભારતના એલપીજી (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) પૂરવઠામાં ગત મહિને મોટો બદલાવ જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) અમેરિકાને પાછળ મૂકીને ભારતનું સૌથી મોટું એલપીજી પૂરવઠેદાર બન્યું છે. આ પહેલાં એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ના પૂરવઠેદારોમાં પણ આવો જ બદલાવ જોવા મળ્યો હતો.
કેપ્લરના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બરમાં ભારતે યુએઈ પાસેથી ૫.૪૭ લાખ ટન એલપીજી આયાત કર્યું હતું, જે દેશની કુલ એલપીજી આયાતના ૩૯ ટકા જેટલું છે. ઓગસ્ટની સરખામણીએ યુએઈ પાસેથી થતી આયાતમાં ૧૮૨ ટકાનો વધારો થયો છે.
બીજી તરફ, અમેરિકાથી થતી એલપીજી આયાત ૫૮ ટકા ઘટીને ૩.૨૩ લાખ ટન થઈ છે, જે ઓગસ્ટમાં ૭.૬૪ લાખ ટન હતી. ભારતની કુલ એલપીજી આયાતમાં અમેરિકાનો હિસ્સો હવે ૨૩ ટકા રહ્યો છે.
સપ્ટેમ્બરમાં ભારતની એકંદર એલપીજી આયાત ૧૩.૯૦ લાખ ટન રહી હતી. તે જ સમયગાળામાં એલએનજીની આયાત ૧૪ ટકા ઘટીને ૨૧.૭૦ લાખ ટન થઈ હતી.
એલએનજી પૂરવઠામાં પણ મોટા ફેરફાર થયા છે. સપ્ટેમ્બરમાં ૨૭ ટકા શિપમેન્ટ હિસ્સા સાથે ઓમાન ભારતનું સૌથી મોટું એલએનજી પૂરવઠેદાર બન્યું છે, જ્યારે ઓગસ્ટમાં ૩૫ ટકા હિસ્સા સાથે અમેરિકા પ્રથમ ક્રમે હતું. હવે એલએનજીમાં અમેરિકાનો હિસ્સો ઘટીને ત્રીજા ક્રમે આવી ગયો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાંથી એલએનજી અને ક્રૂડ ઓઇલનો પૂરવઠો ખોરવાઈ ગયો હતો. ભૌગોલિક-રાજકીય અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે તેની ઇંધણની જરૂરિયાત પૂરી કરવા માટે આયાતના સ્રોતોમાં ફેરફાર કર્યા હતા, જેમાં હવે ધીમે ધીમે બદલાવ જોવા મળી રહ્યો છે.