સત્ય. સાહસ. સંકલ્પ.

દેશમાં 14 કરોડથી વધુ લોકોને કિડનીની બીમારી, સરકારી સમિતિએ દર 6 મહિને KFT કરાવવાની ભલામણ કરી

દેશમાં 14 કરોડથી વધુ લોકોને કિડનીની બીમારી, સરકારી સમિતિએ દર 6 મહિને KFT કરાવવાની ભલામણ કરી

દેશમાં કિડનીની બીમારીના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હેલ્થ જર્નલ ‘ધ લાન્સેટ’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, વર્ષ 2023માં ભારતમાં આશરે 13.8 કરોડ લોકો ક્રોનિક કિડની ડિઝીઝ (CKD)થી પીડિત હતા. હાર્ટ ડિઝીઝ પછી કિડનીની બીમારી દેશમાં બીજી સૌથી મોટી બીમારી બની ચૂકી છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિએ હાલમાં એક મહત્વપૂર્ણ ભલામણ કરી છે. સમિતિએ 20 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને દર 6 મહિને કિડની ફંક્શન ટેસ્ટ (KFT) કરાવવાની સલાહ આપી છે. આ સૂચન નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન-કમ્યુનિકેબલ ડિઝીઝ (NP-NCD) હેઠળ આપવામાં આવ્યું છે.

ચિંતાની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં ઘણીવાર કિડનીની બીમારીના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. લોકોને તેની જાણ ત્યારે થાય છે, જ્યારે કિડની મોટા પ્રમાણમાં ખરાબ થઈ ચૂકી હોય છે. આ જ કારણસર સમિતિએ સારવાર કરતાં સમયસર ઓળખ અને બચાવ પર વધુ ભાર મૂક્યો છે.

સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે આ તપાસ મફત હોવી જોઈએ. જ્યારે ગરીબી રેખાથી ઉપરના લોકો માટે તે નજીવા શુલ્કે ઉપલબ્ધ કરાવવી જોઈએ. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા CKDના મુખ્ય જોખમી પરિબળો ધરાવતા લોકોની નિયમિત સ્ક્રીનિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

સંસદીય સમિતિ અનુસાર, દર વર્ષે લગભગ 2 લાખ નવા દર્દીઓ કિડની ડિઝીઝના અંતિમ તબક્કે પહોંચી જાય છે, જ્યારે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

KFT એટલે શું?

કિડની ફંક્શન ટેસ્ટ (KFT) એ ટેસ્ટનું એક જૂથ છે, જેના દ્વારા કિડની કેટલી સારી રીતે કામ કરી રહી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે લોહી અને પેશાબના નમૂના લેવામાં આવે છે. KFTમાં મુખ્યત્વે નીચેના ટેસ્ટ સામેલ હોય છે:

1. સીરમ ક્રિએટિનિન: આ ટેસ્ટ લોહીમાં ક્રિએટિનિનનું પ્રમાણ માપે છે. ક્રિએટિનિન એક કચરો છે, જેને સામાન્ય સ્થિતિમાં કિડની ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢે છે.

2. અંદાજિત ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ (eGFR): આ કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતાનો અંદાજ આપે છે. તેનાથી જાણવા મળે છે કે કિડની એક મિનિટમાં કેટલા પ્રમાણમાં લોહી ફિલ્ટર કરી શકે છે.

3. બ્લડ યુરિયા: આ ટેસ્ટ લોહીમાં યુરિયાનું પ્રમાણ માપે છે. યુરિયા પ્રોટીનના વિઘટનથી બને છે અને કિડની તેને યુરિન દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે.

4. યુરિનમાં પ્રોટીન અથવા એલ્બ્યુમિન: આ ટેસ્ટથી ખબર પડે છે કે યુરિનમાં પ્રોટીન તો નથી આવી રહ્યું ને. સામાન્ય સ્થિતિમાં યુરિનમાં પ્રોટીન હોવું જોઈએ નહીં. તેની હાજરી કિડનીને થયેલા નુકસાનનું પ્રારંભિક સંકેત હોઈ કે શકે છે.

5. સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ: આ ટેસ્ટ શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં કિડનીની ભૂમિકા સમજવામાં મદદ કરે છે.

કિડની શરીરમાંથી કચરો અને વધારાનું પાણી બહાર કાઢવા, લોહીમાં ખનીજ તત્વોનું સંતુલન જાળવવા, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા અને હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. તેથી કિડનીની કાર્યક્ષમતા સમયસર ચકાસવી ખૂબ જ જરૂરી છે.