સત્ય. સાહસ. સંકલ્પ.

કોમનવેલ્થ કબડ્ડી: ભારતીય મહિલા અને પુરુષ ટીમોની સતત ત્રીજી જીત, યુગાન્ડા અને મલેશિયાને હરાવ્યા

કોમનવેલ્થ કબડ્ડી: ભારતીય મહિલા અને પુરુષ ટીમોની સતત ત્રીજી જીત, યુગાન્ડા અને મલેશિયાને હરાવ્યા

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોનો દબદબો યથાવત્ છે. ત્રીજા દિવસે ભારતીય મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી અને પુરુષ ટીમે મલેશિયાને 37-23થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. બંને ટીમો ટુર્નામેન્ટમાં અજેય રહી છે.

મહિલા ટીમની મેચમાં યુગાન્ડાએ શરૂઆતમાં ભારતીય કેપ્ટન નિધિ શર્માને ટેકલ કરીને પ્રથમ પોઈન્ટ મેળવ્યો હતો. જોકે ભારતીય રેડર્સ અને ડિફેન્ડર્સે ઝડપથી પકડ જમાવી. પ્રથમ 10 મિનિટમાં જ યુગાન્ડાને ઓલઆઉટ કરીને ભારતે મોટી લીડ લીધી. હાફ ટાઈમ સુધી ભારત 22-9થી આગળ હતું. નિધિ શર્માએ નવ રેડમાંથી સાત રેડ પોઈન્ટ મેળવ્યા. યુગાન્ડાની બીટ્રિસ નમાતાકાએ સુપર રેડ દ્વારા વાપસીનો પ્રયાસ કર્યો, પણ ભારતની મજબૂત રમત સામે ટકી શકી નહીં. અંતે ભારતે 41-18થી જીત મેળવી. નિધિએ નવ, સાક્ષીએ આઠ અને અનુ સેને સાત પોઈન્ટ નોંધાવ્યા. યુગાન્ડા તરફથી બીટ્રિસે સાત પોઈન્ટ મેળવ્યા. આ ભારતની સતત ત્રીજી જીત હતી, જ્યારે યુગાન્ડાને ટુર્નામેન્ટમાં પ્રથમ હાર મળી.

પુરુષ ટીમે મલેશિયા સામે શાનદાર રમત બતાવી. નીરજ નરવાલે સુપર રેડથી ભારતને શરૂઆતમાં જ લય આપી. પ્રથમ પાંચ મિનિટમાં જ મલેશિયા ઓલઆઉટ થઈ ગયું. ભરત હુડ્ડાએ સતત મલ્ટી-રેડ પોઈન્ટ મેળવીને દબાણ વધાર્યું. પ્રથમ હાફ અંતે ભારત 27-11થી આગળ હતું. બીજા હાફમાં મલેશિયાએ રમત સુધારી અને આઠ મિનિટ સુધી ભારતને માત્ર બે પોઈન્ટ મેળવવા દીધા. પણ નીરજ નરવાલે વધુ એક સુપર રેડ કરીને મલેશિયાની વાપસીની આશા પર ફટકો માર્યો. નરવાલે 13 પોઈન્ટ સાથે સર્વોચ્ચ સ્કોર કર્યો, ભરત હુડ્ડાએ છ પોઈન્ટ મેળવ્યા. ભારતે 37-23થી જીતીને સતત ત્રીજી જીત નોંધાવી.

અન્ય મેચોમાં બાંગ્લાદેશની મહિલા ટીમે સ્કોટલેન્ડને 75-15થી હરાવ્યું. બાંગ્લાદેશ તરફથી બ્રિષ્ટી બિસ્વાસે 23 પોઈન્ટ (19 ટચ પોઈન્ટ સહિત) મેળવ્યા. કેન્યા સામેની પ્રથમ મેચમાં હાર બાદ બાંગ્લાદેશે શાનદાર વાપસી કરી. પુરુષોની મેચમાં કેન્યા અને બાંગ્લાદેશ વચ્ચે રસાકસી રહી; પ્રથમ હાફમાં કેન્યાએ 17-11ની સરસાઈ મેળવી હતી.

સોમવારે ભારતની બંને ટીમો નાઈજીરિયા સામે રમશે. મહિલા ટીમ સાંજે 6:45 વાગ્યે (IST) અને પુરુષ ટીમ રાત્રે 8 વાગ્યે (IST) મેદાનમાં ઉતરશે. આ મેચોનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર થશે.