સત્ય. સાહસ. સંકલ્પ.

દુશ્મન ડ્રોનને હવામાં જ નષ્ટ કરવા ભારતની નવી માઇક્રો મિસાઇલ ‘જ્વાલા’નું સફળ પરીક્ષણ

દુશ્મન ડ્રોનને હવામાં જ નષ્ટ કરવા ભારતની નવી માઇક્રો મિસાઇલ ‘જ્વાલા’નું સફળ પરીક્ષણ

ભારતીય ખાનગી સંરક્ષણ કંપની આઈજી ડિફેન્સે તેના ‘જ્વાલા’ માઇક્રો મિસાઇલ કાર્યક્રમ હેઠળ બે સોલિડ રોકેટ મોટર્સનું સફળ પરીક્ષણ કર્યું છે. 3 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 4 વાગ્યે કરવામાં આવેલું આ પરીક્ષણ દેશના સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

‘જ્વાલા’ ભારતનો પ્રથમ સ્વદેશી ખાનગી માઇક્રો મિસાઇલ પ્રોજેક્ટ છે, જે ખાસ કરીને દુશ્મનના ડ્રોનને હવામાં જ નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજના આધુનિક યુદ્ધમાં ડ્રોન ઝૂંડ મોટો પડકાર બની ગયા છે. સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે અત્યંત મોંઘી મિસાઇલોનો ઉપયોગ આર્થિક રીતે પોસાય તેમ નથી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘જ્વાલા’ મિસાઇલ બનાવવામાં આવી રહી છે. આ મિસાઇલ અત્યંત સસ્તી હોવાથી તેને મોટા પાયે ઉત્પાદન કરીને સરહદો પર તૈનાત કરી શકાશે, જેનાથી ભારતની સુરક્ષા વધુ મજબૂત બનશે.

‘જ્વાલા’ માત્ર એક મિસાઇલ નથી, પરંતુ તે આઈજી ડિફેન્સની AI આધારિત બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ ‘ગ્રીડ’ સાથે જોડાયેલી છે. આ સિસ્ટમ આકાશમાં ડ્રોનની ઓળખ કરવા, તેને ટ્રેક કરવા અને ખતરાનું આકલન કરી મિસાઇલ દ્વારા તેને તોડી પાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક પાર પાડવામાં સક્ષમ છે. ‘જ્વાલા’ અને ‘ગ્રીડ’ સિસ્ટમના સંયોજનથી ભારતની મોંઘી વિદેશી સુરક્ષા પ્રણાલીઓ પરની નિર્ભરતા ઘટશે અને દેશ ડ્રોન હુમલા સામે વધુ સક્ષમ બનશે.