નવી દિલ્હી: 5G સેવાઓ બાદ હવે ભારતે 6G ટેકનોલોજી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવાનું શરૂ કર્યું છે. અમેરિકાના નેતૃત્વ હેઠળની એક વૈશ્વિક પહેલમાં ભારત સહિત 24 દેશો જોડાયા છે, જે 6G ટેકનોલોજી વિકસાવવા માટે સમર્પિત છે. આ જાહેરાત અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ કરાર અમેરિકાના ઉત્તર કેરોલિનાના ચેપલ હિલમાં યોજાયેલી G20 ઇનોવેશન મંત્રીસ્તરીય બેઠક દરમિયાન થયો છે. આ બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી, જેના પગલે ભારત આ જોડાણમાં સત્તાવાર રીતે જોડાયું છે.
હાલમાં ભારતમાં 6G ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે, સરકારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અનેક દેશો સાથે ચર્ચા ચાલી રહી છે, જેના કારણે તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે તેવી શક્યતા છે.
G20 ઇનોવેશન મીટિંગમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કર્યું હતું. તેમની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) સહિતના વરિષ્ઠ અધિકારીઓ હતા. અમેરિકાના વાણિજ્ય વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે આ પહેલનો ઉદ્દેશ્ય સહિયારી સુરક્ષા હિતો સુનિશ્ચિત કરવાનો અને 6G ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.
બેઠકમાં રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને અમેરિકન સચિવ હોવર્ડ લુટનિક વચ્ચે માત્ર 6G જ નહીં, પરંતુ AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાજ્ય મંત્રીએ ભારત સેમિકન્ડક્ટર મિશન (ISM 2.0)માં અમેરિકાનું રોકાણ વધારવાની સંભાવના પર ભાર મૂક્યો હતો અને AI ટેકનોલોજીમાં ભાગીદારી મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
કોન્ફરન્સના સમાપન પર તમામ ભાગ લેનારા દેશોના મંત્રીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉભરતી ટેકનોલોજીઓ વિશ્વભરના લોકો માટે પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે. આ ભાગીદારી ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે 6G ટેકનોલોજી 5G કરતાં અનેકગણી ઝડપી ઇન્ટરનેટ ગતિ પ્રદાન કરવાનું વચન આપે છે.