એશિયન ગેમ્સ 2026માં ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે સાનો સ્ટેડિયમ ખાતે એકમાત્ર T20 મેચ રમાવાની છે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 9:30 કલાકે શરૂ થશે. જોકે, મેચ પહેલાં જ હવામાન ચિંતાનું કારણ બન્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે મેચ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વરસાદના કારણે ભારતીય ટીમનું પ્રેક્ટિસ સત્ર રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાનો સ્ટેડિયમની ડ્રેનેજ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જો વરસાદથી આઉટફિલ્ડ ખરાબ થાય તો મેચ શરૂ કરવામાં તકલીફ પડી શકે છે.
મેચ પહેલાં શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમ જાપાન સામે રમવા ઉત્સુક છે. તેમણે આશા વ્યક્ત કરી કે વરસાદ મેચમાં વિઘ્ન નહીં નાખે. તેમણે ઉમેર્યું કે ભારત પ્રથમ વખત જાપાન સામે રમી રહ્યું છે, તેથી ટીમને સ્થાનિક પરિસ્થિતિ અને પીચ વિશે વધુ માહિતી નથી, પરંતુ સારી મેચની અપેક્ષા છે.
સાનોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. હવામાન અહેવાલો અનુસાર સોમવાર બાદ મંગળવારે પણ વરસાદની શક્યતા છે, જેના કારણે મેચ દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં વરસાદની અસર મેચના આયોજન પર કેટલી થાય છે તેના પર સૌની નજર રહેશે.
હવામાનની ચિંતા વચ્ચે શ્રેયસ અય્યર જાપાનની સુંદરતાથી પ્રભાવિત થયા છે. તેમણે સ્થાનિક લોકોના આતિથ્ય અને જાપાનની સંસ્કૃતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ અનુભવ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ કરતાં અલગ છે.