સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS પહેલાં ઈરાને ભારતને જૂનો મિત્ર ગણાવ્યો: ચાબહાર અને વેપાર પર ચર્ચાની શક્યતા

BRICS પહેલાં ઈરાને ભારતને જૂનો મિત્ર ગણાવ્યો: ચાબહાર અને વેપાર પર ચર્ચાની શક્યતા

નવી દિલ્હી: BRICS સમિટ પહેલાં ઈરાને ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગેઈએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ગાઢ છે. તેઓએ જણાવ્યું કે, 'ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે અને અનેક ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે.'

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે 31 ઓગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન બેઠક થઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

હવે, 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ઈરાન અને ભારત વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને ચાબહાર બંદર પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. ઈરાનના પ્રવક્તાએ જણાવ્યું કે, આ સમિટ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોને નવી દિશા આપવા માટે શ્રેષ્ઠ તક છે.

ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ભારતને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી દરિયાઈ માર્ગે પહોંચ મળે છે. આ પ્રોજેક્ટને પાકિસ્તાન અને ચીનના ગ્વાદર પ્રોજેક્ટના વિકલ્પ તરીકે જોવાય છે. હાલમાં બલૂચિસ્તાન અને પીઓકેમાં ચાલી રહેલા વિવાદોને કારણે ગ્વાદર પ્રોજેક્ટ અટકી પડ્યો છે, એટલે ભારત-ઈરાનની ચાબહાર પર વાતચીત પાકિસ્તાન અને ચીન માટે ચિંતાનો વિષય બની શકે છે.

બીજી તરફ, અમેરિકાએ ઈરાન પર લાદેલા પ્રતિબંધો અને સેકન્ડરી સેંક્શન્સનો ભય ભારત-ઈરાન વેપાર પર અસર કરી શકે છે. અમેરિકા ઈરાન સાથે આર્થિક સંબંધો ધરાવતા દેશો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે, છતાં ભારતે ઈરાન યુદ્ધ દરમિયાન તટસ્થ વલણ જાળવ્યું હતું અને ક્યારેય નકારાત્મક નિવેદન આપ્યું નથી.