ભારત આગામી પાંચ વર્ષમાં બે મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટની યજમાની કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ રવિવારે 2035 સુધીની પુરુષોની મુખ્ય ટૂર્નામેન્ટોનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં અને 2031નો વનડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે યોજાશે.
દિલ્હી પોલીસે અમિતાભ બચ્ચનના ઘરે ગોળીબાર કરવાની યોજના બનાવવાના આરોપસર બે શાર્પશૂટરોની ધરપકડ કરી છે. આરોપીઓમાં જાલંધરના વિકાસ ઠાકુર અને તરનતારનના દીપક સિંહનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બંને વિદેશમાં બેઠેલા એક ગેંગસ્ટર માટે કામ કરતા હતા, જે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે અમિતાભના કથિત નિવેદનથી નારાજ હતો. જોકે, અમિતાભે આવું કોઈ નિવેદન આપ્યાનો ઇનકાર કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં વિશ્વભરમાં મૃત્યુદંડ પર રોક લગાવવાનો પ્રસ્તાવ પસાર થયો છે. મતદાનમાં 133 દેશોએ સમર્થન આપ્યું, જ્યારે ભારત સહિત 33 દેશોએ વિરોધ કર્યો અને 16 દેશો મતદાનથી દૂર રહ્યા. ભારતનું કહેવું છે કે મૃત્યુદંડ નાબૂદ કરવા અંગે વૈશ્વિક સહમતિ નથી, અને કાયદેસર પ્રક્રિયા બાદ અપાતી ફાંસીને 'સરકારી હત્યા' કહેવું યોગ્ય નથી.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે ટ્રેક પર 3 નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ જણાવ્યું કે ISIના કહેવાથી રેલવે ટ્રેક પર IED મૂકીને પેસેન્જર ટ્રેન ઉડાવી દેવાનું કાવતરું હતું. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની હેન્ડલર્સની પેટર્ન બદલાઈ છે, જેમાં રોમેન્ટિક વીડિયો કૉલ દ્વારા છૂટાછેડા લીધેલી મહિલાઓને ફસાવીને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.
ઇઝરાયલમાં, કાર્યકારી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સરકાર બનાવવા માટે ગાદી આઇઝનકોટને અપીલ કરી, પરંતુ આઇઝનકોટે થોડી જ મિનિટોમાં તેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેમણે કહ્યું કે નેતન્યાહૂ ચૂંટણી હારી ચૂક્યા છે અને હવે વાતચીતની અપીલ કરી રહ્યા છે, જે સ્વીકાર્ય નથી.
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરખેજ પોલીસે 15 નવેમ્બરે સવારે દરોડો પાડીને MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આરોપીએ રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી હતી અને મધ્ય પ્રદેશથી મટિરિયલ મંગાવતો હતો. ગૂગલ પર સર્ચ કરીને ઘરના ભોંયરામાં ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હતો. આ ઉપરાંત રતલામના એક કેફે અને મકાનમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે.
આજની મુખ્ય ઘટનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સમિટમાં ભાગ લેવા ફિલિપાઈન્સ જવા રવાના થશે, જ્યારે રાહુલ ગાંધી અમેરિકા જવા રવાના થશે.