સત્ય. સાહસ. સંકલ્પ.

DRDOની હાઈપરસોનિક મિસાઈલ 2027 સુધીમાં સેનામાં, 1500 કિમી રેન્જ અને રડાર માટે અદ્રશ્ય

DRDOની હાઈપરસોનિક મિસાઈલ 2027 સુધીમાં સેનામાં, 1500 કિમી રેન્જ અને રડાર માટે અદ્રશ્ય

ભારત સંરક્ષણ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસિત લોંગ રેન્જ એન્ટી-શિપ મિસાઈલ (LR-AShM) 2027 થી 2029 વચ્ચે ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ થશે. આ હાઈપરસોનિક મિસાઈલ અવાજ કરતાં ઘણી ગણી ઝડપે દુશ્મનના લક્ષ્યોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ મિસાઈલની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે. તે બે તબક્કાવાળા સોલિડ રોકેટ મોટરથી લોન્ચ થાય છે અને ત્યારબાદ હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ તરીકે લક્ષ્ય તરફ આગળ વધે છે. તેની ટોચની ઝડપ 12,348 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે 1500 કિલોમીટરનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાય છે. આ મિસાઈલ દરિયામાં સ્થિર કે ગતિમાન દુશ્મન યુદ્ધજહાજો પર સચોટ પ્રહાર કરવા સક્ષમ છે.

આ મિસાઈલનો ઉડાન માર્ગ એટલો જટિલ છે કે દુશ્મનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને ટ્રેક કરવો કે વચ્ચેથી તોડી પાડવો લગભગ અશક્ય છે. શરૂઆતમાં તેને ભારતીય નૌકાદળની દરિયાકાંઠે સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યમાં યુદ્ધજહાજ અને વિમાનમાંથી દાગી શકાય તેવા સંસ્કરણો પણ વિકસાવાશે. સંપૂર્ણ સ્વદેશી સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમને કારણે તેનો પ્રહાર અત્યંત ચોક્કસ રહે છે.

DRDOએ ઓડિશાના દરિયાકાંઠે આ મિસાઈલના શ્રેણીબદ્ધ સફળ પરીક્ષણો કર્યા છે, જેમાં તેની 1500 કિલોમીટરની રેન્જ અને ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા સાબિત થઈ ચૂકી છે. આ મિસાઈલ પ્રજાસત્તાક દિને પ્રદર્શિત પણ થઈ ચૂકી છે અને હવે તે મોટા પાયે ઉત્પાદનના તબક્કામાં પ્રવેશી છે. પ્રારંભિક તબક્કે દર વર્ષે 10થી 15 મિસાઈલ બનાવાશે, જે પછીથી વાર્ષિક 25થી 40 સુધી વધારવાની યોજના છે. અંતિમ વપરાશકર્તા મૂલ્યાંકન પૂર્ણ થયા પછી તેને સશસ્ત્ર દળોને સોંપવામાં આવશે.

આ મિસાઈલ સાથે ભારત હાઈપરસોનિક ટેકનોલોજીમાં નિપુણતા મેળવીને અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં આવી ગયું છે. હિંદ મહાસાગરમાં વધતા તણાવ વચ્ચે આ મિસાઈલ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલ કરતાં આગળ નીકળીને તે દુશ્મનના મોટા વિમાનવાહક જહાજો અને યુદ્ધજહાજોને સેંકડો કિલોમીટર દૂરથી નષ્ટ કરી શકે છે.

હાઈપરસોનિક મિસાઈલનું નિર્માણ જટિલ અને ખર્ચાળ છે, કારણ કે અત્યંત ઊંચા તાપમાનને સહન કરી શકે તેવી સામગ્રી અને ચોક્કસ ગાઈડન્સ સિસ્ટમ વિકસાવવી પડકારજનક છે. તેમ છતાં ભારતીય વૈજ્ઞાનિકો આ દિશામાં સફળ રહ્યા છે અને ભવિષ્યમાં તેની રેન્જ 3000 કિલોમીટર સુધી વધારવાની યોજના છે. નૌકાદળ ઉપરાંત થળસેના અને વાયુસેના માટે પણ આ મિસાઈલ ઉપલબ્ધ બનશે, જે 2027 થી 2029 દરમિયાન ત્રણેય સેનાઓને વધુ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.