સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ, ICCની જાહેરાત

ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ, ICCની જાહેરાત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ રવિવારે 2035 સુધીની તમામ પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ માટે યજમાન દેશોની વિન્ડોને મંજૂરી આપી છે. સાથે જ 2031 સુધીની ટુર્નામેન્ટ્સના યજમાન દેશોની જાહેરાત પણ કરી છે. આ જાહેરાત મુજબ ભારતને બે મુખ્ય ટુર્નામેન્ટની યજમાની મળી છે. ભારત 9 થી 28 ઓક્ટોબર 2029 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનું એકલા હાથે આયોજન કરશે. જ્યારે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર 2031 દરમિયાન યોજાનાર વન-ડે વર્લ્ડ કપનું તે બાંગ્લાદેશ સાથે સંયુક્ત રીતે આયોજન કરશે.

ICCએ 2031 પછીની ટુર્નામેન્ટ્સની તારીખો જાહેર કરી છે, પરંતુ તેમના યજમાન દેશોની જાહેરાત હજુ કરી નથી. 2035 વન-ડે વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે, પરંતુ તેનો યજમાન કોણ હશે તે નક્કી થયું નથી.

ભારતે અગાઉ 2023માં વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

આગામી ટુર્નામેન્ટ્સની વાત કરીએ તો 2028નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. 2030નો T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલેન્ડ સંયુક્ત રીતે યોજશે. 2032 અને 2034ના T20 વર્લ્ડ કપના યજમાન દેશો અને સ્થળોની જાહેરાત થઈ નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ 2035 સુધી દર બે વર્ષે જૂનમાં રમાશે. ઇંગ્લેન્ડ 2029 અને 2031ની ફાઇનલનું આયોજન કરશે, જ્યારે 2033 અને 2035ની ફાઇનલના યજમાન દેશોની જાહેરાત બાકી છે.

ICCના મુખ્ય કાર્યકારી અધિકારી સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ICCનો ટુર્નામેન્ટ અને કાર્યક્રમોનો પોર્ટફોલિયો ક્રિકેટના વૈશ્વિક માળખાનો મહત્વપૂર્ણ ભાગ છે. તે રમતને વધુ સ્પર્ધાત્મક બનાવે છે અને સમગ્ર ક્રિકેટ જગતને દિશા અને સંદર્ભ પૂરો પાડે છે. અમે ખેલાડીઓ અને સભ્ય દેશોને આ ટુર્નામેન્ટ વિશે પ્રારંભિક માહિતી પૂરી પાડવાનું મહત્વ પણ સમજીએ છીએ. આનાથી અમને વધુ સારી ખેલાડી વિકાસ યોજનાઓ, ઉચ્ચ-પ્રદર્શન કાર્યક્રમો અને સુવ્યવસ્થિત ક્રિકેટ કેલેન્ડર વિકસાવવામાં મદદ મળશે."