સપ્ટેમ્બરના અંતમાં દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવામાન પલટાયું છે અને આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશમાં 25 અને 26 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદ ચાલુ રહી શકે છે. રેડ અને ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લખનઉ, કાનપુર દેહાત, અયોધ્યા અને કૌશામ્બીમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. મિર્ઝાપુર, બાંદા, ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. મધ્ય પ્રદેશના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં પણ 26 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
ઉત્તરાખંડમાં બાગેશ્વર, નૈનીતાલ, પિથોરાગઢ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જારી કરાયું છે. દહેરાદૂન, પૌડી, ચમોલી, રુદ્રપ્રયાગ અને અલ્મોડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ચમોલીમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળીના કડાકા-ભડાકાની આશંકા છે. પિથોરાગઢ અને નૈનીતાલ જિલ્લામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઈ છે. પ્રવાસીઓ અને નાગરિકોને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરાઈ છે.
છત્તીસગઢના બસ્તર સંભાગમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ છે. જગદલપુર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે અને માર્ગ વ્યવહાર ઠપ થઈ ગયો છે. દંતેવાડા, બીજાપુર, કોંડાગાંવ, કાંકેર, બસ્તર, ગરિયાબંદ, ધમતરી અને દુર્ગ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. કોંડાગાંવમાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક ખેડૂતનું મોત થયું છે. ધમતરીમાં ગંગરેલ જળાશય 98 ટકા અને મુરુમસિલ્લી જળાશય 100 ટકા ભરાઈ જતાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.
ઓડિશામાં ડીપ ડિપ્રેશનની સીધી અસર જોવા મળી છે, જ્યાં 24 સ્થળોએ 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે. નબરંગપુરના તેંતુલીખૂંટીમાં 395 મિમી, નંદહાંડીમાં 344 મિમી અને કોરાપુટના બોરીગુમામાં 307.8 મિમી વરસાદ પડ્યો છે. નદીઓના જળસ્તરમાં ભયજનક ઉછાળો આવતા 10,000થી વધુ લોકોને નીચાણવાળા અને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા વિસ્તારોમાંથી બહાર કાઢીને 200 રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. બચાવ કામગીરી માટે ODRAFની 33 ટીમો અને ફાયર સર્વિસની 300થી વધુ ટીમો તૈનાત કરાઈ છે.
ઝારખંડમાં વૃક્ષ પડતાં એક સ્કૂલ બસ દબાઈ ગઈ હતી અને વિમાની સેવાઓ પ્રભાવિત થઈ છે. બિહારમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂરનો ખતરો વધ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી આપી છે.