સત્ય. સાહસ. સંકલ્પ.

રોજગાર સંકટ: શા માટે માત્ર 8.25% સ્નાતકોને જ લાયકાત પ્રમાણે નોકરી મળે છે?

રોજગાર સંકટ: શા માટે માત્ર 8.25% સ્નાતકોને જ લાયકાત પ્રમાણે નોકરી મળે છે?

દેશમાં કરોડો યુવાનો કોલેજની ડિગ્રી મેળવીને નોકરીની શોધમાં નીકળે છે, પરંતુ તેમાંથી મોટા ભાગને તેમની લાયકાતને અનુરૂપ રોજગાર મળતી નથી. નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘Reimagining Skilling for a Viksit Bharat @ 2047’ અને આર્થિક સર્વેક્ષણ 2024-25 મુજબ, ભારતમાં માત્ર 8.25% સ્નાતકોને જ તેમના શિક્ષણ અને લાયકાત અનુસાર નોકરી મળે છે. આનો અર્થ એ થાય છે કે બાકીના યુવાનો કાં તો બેરોજગાર છે અથવા તો તેમની લાયકાત કરતાં ઘણી નીચી પ્રતિષ્ઠા ધરાવતી નોકરી સ્વીકારવા મજબૂર છે.

હાલમાં દેશમાં આશરે 4.34 કરોડ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે, જ્યારે 44 લાખ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને ITI જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો કરી રહ્યા છે. દેશનો એકંદર બેરોજગારી દર 3.2% છે, પરંતુ સ્નાતક થયેલા યુવાનોમાં આ દર 13% જેટલો ઊંચો છે. મહિલાઓમાં આ સ્થિતિ વધુ ગંભીર છે – સ્નાતક મહિલાઓનો બેરોજગારી દર 20.4% છે.

આ સમસ્યાનું સૌથી મોટું કારણ સામાન્ય ડિગ્રી કોર્સ પાછળની આંધળી દોટ છે. દેશમાં અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં ભણતા 3.4 કરોડ વિદ્યાર્થીઓમાંથી 1.13 કરોડ યુવાનો માત્ર BA (બેચલર ઑફ આર્ટસ) કરી રહ્યા છે. BA, BSc અને BComના વિદ્યાર્થીઓને ભેગા કરીએ તો આ આંકડો 2 કરોડને પાર કરી જાય છે. અહેવાલ મુજબ, મોટા ભાગના યુવાનો સરકારી નોકરીની પરીક્ષા આપવા માટે જરૂરી લઘુતમ લાયકાત મેળવવા માટે જ આ કોર્સ કરે છે. નવેમ્બર 2024થી જુલાઈ 2025 વચ્ચે માત્ર 55,000 સરકારી હોદ્દા માટે 1.86 કરોડથી વધુ અરજી આવી હોવાનો આંકડો આ વાત સાબિત કરે છે.

નીતિ આયોગના મતે, કોલેજોમાં ભણાવવામાં આવતું પુસ્તકિયું જ્ઞાન અને ઉદ્યોગજગતની જરૂરિયાત વચ્ચે ઘણો મોટો તફાવત છે. ઘણા અભ્યાસક્રમ જૂના થઈ ગયા છે અને તેમાં પ્રેક્ટિકલ તાલીમ, હેન્ડ્સ-ઓન પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગનો સીધો અનુભવ નથી. પરિણામે, યુવાનો પાસે ડિગ્રી તો હોય છે, પરંતુ કંપનીમાં કામ કરવા માટે જરૂરી વ્યાવહારિક કુશળતા હોતી નથી.

આ સંકટ દૂર કરવા નીતિ આયોગે કેટલીક ભલામણો કરી છે. તેમાં બજારની માંગને અનુરૂપ નવા રોજગારલક્ષી કોર્સ શરૂ કરવા, જેમ કે BA Hospitality, BCom Analytics અને BSc Applied Technology. ઉદ્યોગો સાથે ભાગીદારી (PPP મોડેલ) વધારવા અને ઉદ્યોગના નિષ્ણાતોને અભ્યાસક્રમ તૈયાર કરવામાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, એપ્રેન્ટિસશીપ-સક્ષમ ડિગ્રી કાર્યક્રમો (AEDPs) શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે જ કામનો અનુભવ મેળવી શકે.

આ સમસ્યાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે શિક્ષણ પ્રણાલીને રોજગારલક્ષી બનાવવામાં આવે અને યુવાનોને માત્ર ડિગ્રી નહીં, પરંતુ કૌશલ્ય પણ મળે. ત્યારે જ 8.25%નો આ આંકડો સુધારી શકાશે અને દેશના યુવાનોને તેમની લાયકાત પ્રમાણે રોજગાર મળી શકશે.