સત્ય. સાહસ. સંકલ્પ.

સોનાની આયાત 58% ઘટી, ચાંદીની આયાત 127% વધી: કસ્ટમ ડ્યુટી વધારાની અસર

સોનાની આયાત 58% ઘટી, ચાંદીની આયાત 127% વધી: કસ્ટમ ડ્યુટી વધારાની અસર

ઓગસ્ટ મહિનામાં ભારતમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ઓગસ્ટમાં સોનાની આયાત 57.75 ટકા ઘટીને 2.3 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે આ જ મહિનામાં ચાંદીની આયાતમાં 127 ટકાનો વધારો થયો છે અને તે 1.02 અબજ ડોલર પર પહોંચી છે.

આ ફેરફાર પાછળ સરકારનું એક પગલું મુખ્ય કારણ મનાય છે. 13 મેના રોજ કિંમતી ધાતુઓ પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. તેની સીધી અસર ઓગસ્ટના આંકડામાં દેખાઈ રહી છે.

સોનાની આયાતમાં ઘટાડાને કારણે દેશનો વેપાર ઘાટો છેલ્લા પાંચ મહિનાના નીચા સ્તરે 26.86 અબજ ડોલર પર આવી ગયો છે. ભારત માટે સ્વિટ્ઝર્લેન્ડ સોનાનો સૌથી મોટો સપ્લાયર દેશ છે, પણ ઓગસ્ટમાં ત્યાંથી સોનાની આયાત 45.4 ટકા ઘટીને 1.28 અબજ ડોલર થઈ છે. આમ છતાં, ભારતની કુલ સોનાની આયાતમાં સ્વિટ્ઝર્લેન્ડનો હિસ્સો 40 ટકા જેટલો છે.

સ્વિટ્ઝર્લેન્ડ ઉપરાંત ભારતે ઓગસ્ટમાં કુલ સોનાની આયાતના 16 ટકાથી વધુ હિસ્સો સંયુક્ત અરબ અમીરાત (UAE) થી અને 10 ટકા હિસ્સો દક્ષિણ આફ્રિકાથી મંગાવ્યો હતો. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકાથી વધુ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ)માં સોનાની કુલ આયાત 3.38 ટકા વધીને 17.47 અબજ ડોલર થઈ છે. જ્યારે આ જ સમયગાળામાં ચાંદીની કુલ આયાત 8.81 ટકા ઘટીને 1.74 અબજ ડોલર રહી છે.

બીજી તરફ, ઓગસ્ટમાં ભારતની વસ્તુ નિકાસ 26.12 ટકા વધીને 43.81 અબજ ડોલર થઈ છે. ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ પેદાશોની વૈશ્વિક માંગ આ વધારા પાછળ મુખ્ય કારણ છે.

ઓગસ્ટમાં દેશની કુલ આયાત 14.1 ટકા વધીને 70.76 અબજ ડોલર થઈ હતી. આ સમયગાળામાં ક્રૂડ ઓઈલ, પ્રોજેક્ટ ગુડ્સ, ઈલેક્ટ્રોનિક સામાન, ચાંદી અને કોલસાની આયાતમાં મોટો વધારો નોંધાયો છે.