રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતીયોએ રોજિંદા ખર્ચાઓ પહોંચી વળવા માટે રૂ. 9.06 લાખ કરોડના સોનાના દાગીના ગિરવે મૂકીને લોન લીધી છે. આ આંકડો NBFC અને બેંકોની સંયુક્ત બાકી ગોલ્ડ લોનનો છે, જે જુલાઈ મહિનાના અંત સુધીની સ્થિતિ દર્શાવે છે.
આરબીઆઈના ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનમાં વાર્ષિક ધોરણે 68.9 ટકાનો વધારો થયો છે, જ્યારે બેંકોની આવી લોનમાં 88.1 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, એક વર્ષ અગાઉ બેંકોની આ વૃદ્ધિ 136.4 ટકા હતી, એટલે કે વૃદ્ધિની ગતિમાં ઘટાડો થયો છે, પરંતુ કુલ બિઝનેસમાં વધારો ચાલુ છે.
જુલાઈના અંતે NBFCનો સોનાની લોનનો બાકી પોર્ટફોલિયો આશરે રૂ. 3.54 લાખ કરોડ હતો, જ્યારે બેંકોનો આ પોર્ટફોલિયો રૂ. 5.52 લાખ કરોડ હતો. આ આંકડા દર્શાવે છે કે લોકો હવે મોટા પ્રમાણમાં લોન પર નિર્ભર બની રહ્યા છે. NBFC ક્ષેત્રમાં રિટેલ લોનની વિવિધ કેટેગરીમાં સોનાની સામેની લોન સૌથી ઝડપથી વધતી કેટેગરી રહી છે.
આ સિવાય, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં પણ 51.5 ટકાનો વધારો થયો છે. NBFC દ્વારા આપવામાં આવતી કુલ ક્રેડિટમાં 14.9 ટકાનો વધારો થઈને તે રૂ. 59.89 લાખ કરોડ પર પહોંચી છે. સોનાની લોનનો આ આંકડો ઘરની આસપાસ કામ કરતા નાના ધીરનાર સિવાયનો છે, જે વાસ્તવિક ચિત્ર દર્શાવે છે.