નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટર (Q2)માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.35% રહેવાનો અંદાજ છે. આ અંદાજ આર્થિક બાબતોના વિભાગના 'નાઉકાસ્ટિંગ' મોડલ પર આધારિત છે. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર 7.8% નોંધાયો હતો.
મંત્રાલયના ઓક્ટોબર મહિનાના આર્થિક અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે અનેક આર્થિક પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્ર સતત મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન, વીજળી વપરાશ, પોર્ટ પર માલસામાનની હેરફેર, GST કલેક્શન અને વાહનોના વેચાણ જેવા મહત્વના આંકડાઓમાં બીજા ક્વાર્ટર દરમિયાન સારો વધારો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના ઓક્ટોબર 2026ના અહેવાલ મુજબ, વર્ષ 2026માં વૈશ્વિક વિકાસ દર ઘટીને 3.1% રહેવાની શક્યતા છે. તેની સામે ભારતીય અર્થતંત્ર વધુ સ્થિર અને મજબૂત જોવા મળી રહ્યું છે.
દેશના વિકાસ દર અંગે મુખ્ય સંસ્થાઓના અંદાજ આ પ્રમાણે છે: નાણા મંત્રાલયનો Q2 અંદાજ 7.35%, IMFનો FY27 અંદાજ 7.0%, વર્લ્ડ બેંક 7.1%, OECD 7.1% અને RBI 7.1%.
જોકે, નાણા મંત્રાલયે આગામી મહિનાઓમાં અર્થતંત્ર સામે કેટલાક જોખમો યથાવત રહી શકે તેવી ચેતવણી પણ આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી, ખરીફ પાક અંગેની અનિશ્ચિતતા અને વિશ્વ સ્તરે છવાયેલી આર્થિક મંદી મુખ્ય ચિંતાઓ છે. વર્ષના બીજા ભાગમાં સરકાર અને નીતિ ઘડવૈયાઓનું ધ્યાન આર્થિક વૃદ્ધિ જાળવી રાખવાની સાથે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા પર રહેશે.
સપ્ટેમ્બર 2026માં છૂટક ફુગાવો (CPI) વધીને 5.54% પર પહોંચી ગયો હતો, જે ઓગસ્ટ મહિના કરતાં 71 બેસિસ પોઈન્ટ વધુ છે. આ વધારા પાછળ ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ (7.74%) અને ઈંધણની કિંમતોમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. રાહતની વાત એ છે કે વપરાશની બાસ્કેટમાં આવતી લગભગ 64% ચીજોનો ફુગાવો હજુ પણ RBIના 4%ના લક્ષ્યાંકથી નીચે અથવા તેની નજીક છે.
મોંઘવારીનું દબાણ વધતાં ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ઉપરાંત સેન્ટ્રલ બેંકે પોતાની નીતિ 'ન્યુટ્રલ'માંથી બદલીને 'કેલિબ્રેટેડ ટાઈટનિંગ' કરી છે. તેનો અર્થ એ છે કે જો મોંઘવારી કાબૂમાં નહીં આવે તો આગામી સમયમાં વ્યાજદરમાં વધુ કડકાઈ કરવામાં આવી શકે છે.