સત્ય. સાહસ. સંકલ્પ.

પિકલબૉલ વર્લ્ડ કપ 2026માં ભારતે 41 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું

પિકલબૉલ વર્લ્ડ કપ 2026માં ભારતે 41 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું

વિયેતનામના દા નાંગ ખાતે યોજાયેલા પિકલબૉલ વર્લ્ડ કપ 2026માં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 82 દેશોની વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં ભારતે કુલ 41 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું છે. આ મેડલમાં 7 ગોલ્ડ, 17 સિલ્વર અને 17 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે ભારતીય ટીમ 7મા ક્રમે હતી, પરંતુ આ વખતે તેણે ત્રણ ક્રમની છલાંગ લગાવીને વૈશ્વિક મંચ પર પોતાની મજબૂતી સાબિત કરી છે.

ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશન (IPA)ના પ્રેસિડેન્ટ સૂર્યવીર સિંહ ભુલ્લરે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'અમે દા નાંગમાં માત્ર ભાગ લેવા નહીં, પરંતુ ભારતીય પિકલબૉલના ભવિષ્યનો પાયો નાખવા ગયા હતા. અમારા ખેલાડીઓએ જુસ્સા અને શિસ્તથી દેશનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક પિકલબૉલમાં મોટી તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે.'

આ સ્પર્ધામાં ભારતે 48 એથ્લેટ્સનું અધિકૃત ડેલિગેશન મોકલ્યું હતું, જેમાં વિવિધ વયજૂથની ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓ સામેલ હતા. ટીમ ઇવેન્ટ્સમાં કિડ્સ ટીમે સિલ્વર મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે જુનિયર્સ, ઓપન, માસ્ટર્સ અને સિનિયર્સ ટીમોએ પણ સ્પર્ધાત્મક રમત દેખાડી હતી.