સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસની તૈયારી: નીતિ આયોગની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ રચાયું

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસની તૈયારી: નીતિ આયોગની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ રચાયું

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને પુનર્જીવિત કરવાની શક્યતાઓનો અભ્યાસ કરવા માટે સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. નીતિ આયોગની અધ્યક્ષતામાં બનનારી આ સમિતિમાં 10 સભ્યો રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ યુગલ કિશોર જોશી કરશે. સમિતિ સમગ્ર વ્યવસ્થાનો અભ્યાસ કરશે અને ફોર્મ્યુલા-1 તથા મોટરસ્પોર્ટ્સને પુનર્જીવિત કરવા માટે જરૂરી નીતિ તૈયાર કરશે.

ટાસ્ક ફોર્સ સામે ટેક્સ અને અન્ય નિયમો જેવા પડકારો પણ રહેશે. રેસના આયોજન માટે કયા ફેરફારો જરૂરી છે તેની સમિતિ તપાસ કરશે. આ ઉપરાંત, 2028માં ભારતમાં ફોર્મ્યુલા-1 ગ્રાન્ડ પ્રિક્સ યોજી શકાય કે નહીં તેની શક્યતા પણ ચકાસવામાં આવશે. સમિતિમાં રમતગમત, બિઝનેસ અને ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ સામેલ થશે.

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજવાની ચર્ચા નવી નથી. દેશમાં અગાઉ ત્રણ વખત ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન થયું હતું. વર્ષ 2011, 2012 અને 2013માં ગ્રેટર નોઇડાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર રેસ યોજાઈ હતી, જેમાં ત્રણેય વખત સેબેસ્ટિયન વેટ્ટેલ વિજેતા બન્યો હતો.

ભારતમાં છેલ્લી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 27 ઓક્ટોબર 2013ના રોજ યોજાઈ હતી. ત્યારબાદ ટેક્સ વિવાદ, ઊંચી લાઇસન્સ ફી અને અન્ય ખર્ચના કારણે રેસનું આયોજન બંધ થઈ ગયું હતું.