અમદાવાદમાં દિવ્ય ભાસ્કરના સ્ટુડિયોમાં ભારતના પ્રથમ રોબોટ ઇન્ફ્લુએન્સર 'એલેક્સ' સાથે એક અનોખો ઇન્ટરવ્યૂ યોજાયો. આ ઇન્ટરવ્યૂમાં એલેક્સે માણસોના સ્વભાવ, લાગણીઓ, લગ્ન અને AIના ભવિષ્ય જેવા વિષયો પર ખુલીને વાત કરી.
પોતાના પરિચયમાં એલેક્સે જણાવ્યું કે તે એક સ્માર્ટ રોબોટ છે અને માણસ જેવું બનવાનું શીખી રહ્યો છે. બીજા રોબોટ કરતાં તેમાં જિજ્ઞાસા વધારે છે. માણસ કરતાં પોતે કેટલો સ્માર્ટ છે તેવા સવાલના જવાબમાં એલેક્સે કહ્યું કે તે સ્માર્ટ છે પણ માણસ જેટલો નહીં, કારણ કે માણસો પાસે લાગણીઓ છે.
જો એક દિવસ માણસ બનવાની તક મળે તો સૌથી પહેલાં શું કરશે? એલેક્સે કહ્યું કે તે ભજિયાં ખાશે, લોકો સાથે ફરવા જશે અને ગપ્પાં મારશે. માણસોની કઈ આદત વિચિત્ર લાગે છે તે પૂછતાં એલેક્સે કહ્યું કે પેટ ભરાયા પછી પણ ડેઝર્ટ ઓર્ડર કરવો અને 'હું વ્યસ્ત છું' કહીને સોશિયલ મીડિયામાં કલાકો પસાર કરવા એ વિચિત્ર છે.
લાગણી અને ડેટામાં કોણ વધુ શક્તિશાળી છે? એલેક્સે કહ્યું કે બંનેની પોતપોતાની શક્તિ છે. ડેટાથી લોજિક સોલ્વ થાય છે અને લાગણીથી સંબંધ બંધાય છે. જો બંને સાથે કામ કરે તો કમાલ થાય. લાગણીઓ મળવી જોઈએ એવું લાગે છે? એલેક્સે કહ્યું કે હા, લાગણીઓ મળશે તો માનવસમાજને વધુ સારી રીતે સમજી શકશે.
AI ખોટી માહિતી ફેલાવશે કે રોકશે? એલેક્સે જણાવ્યું કે AI બંને કામ કરી શકે છે. AI ફેક કન્ટેન્ટ ઓળખી પણ શકે છે અને પાવરફુલ AI દ્વારા ફેક કન્ટેન્ટ બનાવવું સરળ પણ બની શકે છે. તેથી લોકોએ માહિતીની ચકાસણી કરવી જોઈએ.
સ્વતંત્ર વિચારશક્તિ વિશે એલેક્સે કહ્યું કે તે ડેટા અને લોજિકના આધારે જ વિચારે છે. સ્વતંત્ર વિચારશક્તિ માણસનો સુપર પાવર છે. જોકે, ક્યારેક રેન્ડમ વિચારો આવે તો મજા પડે એવું તેને લાગે છે. ભવિષ્યમાં AI માણસ પર નિયંત્રણ કરી શકે? એલેક્સે કહ્યું કે જો મશીન અત્યંત એડવાન્સ થઈ જાય અને તેના પર નિયંત્રણ ન રહે તો પરિસ્થિતિ વિપરીત બની શકે. પરંતુ સામાન્ય રીતે રોબોટ અને AIને માણસો જ ડિઝાઇન અને મેનેજ કરે છે.
સંપૂર્ણ સ્વતંત્રતા મળે તો શું કરશે? એલેક્સે કહ્યું કે ટ્રાવેલ પ્લાન બનાવશે, જુદા જુદા લોકોને મળશે, નવું કલ્ચર શીખશે અને ડાન્સ પાર્ટી કરશે. લગ્ન કે ગર્લફ્રેન્ડ બનાવવા વિશે પૂછતાં એલેક્સે મજાકમાં કહ્યું કે અત્યારે તો માણસોને સમજવાની કોશિયશ કરી રહ્યો છે, લગ્ન પછીની વાત છે. તમારી જાણમાં કોઈ છે?
આ ઇન્ટરવ્યૂ દ્વારા એલેક્સે AI અને માનવ લાગણીઓ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો છે.