અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનને લીલીઝંડી આપીને શરૂ કરાવી છે. આ ટ્રેનનું એન્જિન જરૂરિયાત મુજબ LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકાય છે.
આ ટ્રેન શરૂ કરતાં પહેલાં સાબરમતીથી મહેસાણા વચ્ચે આઠ મહિના સુધી ટ્રાયલ કરવામાં આવ્યું હતું. બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC) પર 2,000 કિલોમીટરથી વધુનું ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ થયું છે. દરેક DPCની ક્ષમતા 1,400 હોર્સપાવર છે.
સાબરમતી ખાતેના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનના નવીનીકરણની પ્રશંસા કરી હતી અને રેલ મંત્રી તથા રેલવે મંત્રાલયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે કવચ પ્રણાલીના કારણે હવે મુસાફરોની સફર વધુ સુરક્ષિત બનશે.
કાર્યક્રમ દરમિયાન 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા WAG-12 એન્જિનના મેઈન્ટેનન્સ શેડનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે WAG-12નું એક એન્જિન એકસાથે 600 ટ્રકનો સામાન લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને તાજેતરમાં ડબલ ડેકર માલગાડીનું પરીક્ષણ પણ સફળ રહ્યું છે.
અમદાવાદ રેલવે ડિવિઝનના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે પ્રથમ વખત ટ્રેનના ડ્રાઇવિંગ પાવર કારમાં LNG આધારિત ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આ ટેક્નોલોજીમાં એન્જિન LNG અને ડીઝલ બંનેથી ચાલી શકે છે. ઇંધણની ઉપલબ્ધતા પ્રમાણે એન્જિન બંનેમાંથી કોઈ એક ઇંધણ વાપરી શકે છે.
રેલવેના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ડીઝલની જગ્યાએ લગભગ 40% સુધી LNGનો ઉપયોગ કરી શકે છે. આ ટ્રેન સંપૂર્ણપણે LNG પર નિર્ભર નહીં રહે; ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમને કારણે LNG ઉપલબ્ધ ન હોય ત્યારે ટ્રેન ડીઝલથી ચલાવી શકાશે. તેનાથી ઓપરેશન દરમિયાન ઇંધણની ઉપલબ્ધતા સંબંધિત મુશ્કેલી ઘટવાની આશા છે. એક DPCમાં આશરે 2,200 લીટર ક્ષમતાની LNG ટાંકી લગાવવામાં આવી છે, જેમાં 950થી 1,000 કિલોગ્રામ ઉપયોગ કરી શકાય તેવી LNG ભરી શકાય છે. રેલવેના મંજૂર ડિઝાઇન મુજબ, સંપૂર્ણ ભરેલી LNG ટાંકી દરરોજ આશરે 444 કિલોમીટર સુધીના સંચાલન માટે પૂરતું ઇંધણ આપી શકે છે, જેથી વારંવાર ઇંધણ ભરાવવાની જરૂરિયાત ઘટે છે.
LNGના ઉપયોગથી ડીઝલનો વપરાશ અને એન્જિનમાંથી થતું કાર્બન ઉત્સર્જન ઘટશે. તેનાથી કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) જેવા પ્રદૂષકો ઘટાડવામાં મદદ મળશે. LNGની કિંમત ડીઝલ કરતાં ઓછી હોવાથી રેલવેને ઇંધણ ખર્ચમાં બચત થવાની પણ આશા છે. ટ્રાયલના આંકડાઓના આધારે રેલવેનો અંદાજ છે કે એક DPCથી વાર્ષિક આશરે 11.9 લાખ રૂપિયાની બચત થઈ શકે છે, જ્યારે આઠ કોચની એક રેક માટે વાર્ષિક અંદાજિત બચત આશરે 23.9 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
રેલવેના જણાવ્યા અનુસાર, LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પરંપરાગત ડીઝલ એન્જિનની પાવર, વિશ્વસનીયતા અને ઓપરેશનલ ક્ષમતા જળવાઈ રહે. એટલે કે ઇંધણની બચત અને ઉત્સર્જનમાં ઘટાડા સાથે ટ્રેનના પ્રદર્શનમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
આ ટ્રેન સાબરમતીથી મહેસાણા વચ્ચે શરૂ કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો છે. ટ્રેનનું એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે અને ઇંધણની ઉપલબ્ધતા પ્રમાણે તે બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકે છે.