કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે (27 સપ્ટેમ્બર) રવિવારે અમદાવાદમાં 1,542 કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ ભારતની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)થી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
આ ટ્રેનની ખાસ વાત એ છે કે તે એક વાર સંપૂર્ણ ભરેલા ટેન્કમાં 2,200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. ટ્રેન સંપૂર્ણપણે LNG આધારિત છે, પરંતુ તેનું એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે. ઇંધણની ઉપલબ્ધતા મુજબ એન્જિન LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકે છે.
આ પ્રોજેક્ટ હેઠળ 1,400 HP ક્ષમતાના બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. ટ્રેનનો 2,000 કિલોમીટરથી વધુનો સફળ ફિલ્ડ ટ્રાયલ પૂરો થઈ ચૂક્યો છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે 8 મહિના સુધી ટ્રેનનો ટ્રાયલ થયો હતો. આગામી સમયમાં 8થી 10 અન્ય ટ્રેનોમાં પણ LNG ટેકનોલોજી અપનાવવાની યોજના છે.
અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું કે LNG ડીઝલ કરતાં સસ્તું હોવાથી ટ્રેન ચલાવવાનો કુલ ખર્ચ ઘટે છે. LNG ઇંધણથી પ્રદૂષણમાં પણ ભારે ઘટાડો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણો જેવા નુકસાનકારક તત્વો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જેથી રેલવે ટ્રેકની આસપાસની હવા શુદ્ધ રહે છે. ઇંધણ ખર્ચમાં પણ ઘણી બચત થાય છે.
વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું કે LNG ઇંધણ સિસ્ટમ સાથે એન્જિનના પાવરમાં કોઈ ઘટાડો થતો નથી. એન્જિનનો પાવર ડીઝલ એન્જિન જેટલો જ રહે છે. એક LNG ટેન્કથી DPC ટ્રેન લગભગ 2,200 કિલોમીટર સુધી ચાલી શકે છે, તેથી વારંવાર ઇંધણ ભરવાની જરૂર પડતી નથી.
આ ઉપરાંત અમિત શાહ રેલવે સાથે જોડાયેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે.
700 કરોડના ખર્ચે નવો લોકોમોટિવ શેડ
સાબરમતીમાં આશરે 700 કરોડ રૂપિયાના ખર્ચે WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ બનાવવામાં આવ્યો છે. અહીં આશરે 12,000 HP ક્ષમતાના 300 WAG-12 ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનોના મેન્ટેનન્સની સુવિધા ઉપલબ્ધ થશે. આ એન્જિન ભારે અને લાંબી માલગાડીઓ ચલાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સાબરમતી-સરખેજ રેલ લાઇન ડબલ થશે
આશરે 313.27 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી-સરખેજ રેલ લાઇનના 21 કિલોમીટર હિસ્સાને ડબલ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. આ કામ માર્ચ 2028 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્ય છે. પ્રોજેક્ટમાં સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનો સાથે પુલો અને રોડ અંડરપાસને જોડતા કામોનો પણ સમાવેશ થાય છે.
રેલ લાઇનના દોહરીકરણથી ટ્રેનોની અવરજવર સુધરશે, સરખેજ-ધોલેરા વિસ્તારની કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ રેલવે સુરક્ષા વધારવો, ટ્રેનોની પરિચાલન ક્ષમતામાં સુધારો કરવો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.