સત્ય. સાહસ. સંકલ્પ.

દેશની પહેલી LNG ટ્રેન 27 સપ્ટેમ્બરે સાબરમતીથી પાટણ વચ્ચે દોડશે

દેશની પહેલી LNG ટ્રેન 27 સપ્ટેમ્બરે સાબરમતીથી પાટણ વચ્ચે દોડશે

ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ બચાવતી ટેક્નોલોજી તરફ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. દેશની પહેલી LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું 27 સપ્ટેમ્બરે સાબરમતી સ્ટેશનથી સત્તાવાર લોકાર્પણ થશે. આ ટ્રેન સાબરમતીથી પાટણ વચ્ચે દોડશે.

સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં 1400 હોર્સપાવર ક્ષમતાવાળી બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડીઝલ સાથે LNGનો ઉપયોગ કરતી ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં ફેરવવામાં આવી છે. આ સિસ્ટમમાં ડીઝલની જગ્યાએ લગભગ 40 ટકા સુધી LNG વાપરી શકાય છે. બંને DPCએ અત્યાર સુધીમાં 2,000 કિલોમીટરથી વધુનું સફળ ફીલ્ડ ટ્રાયલ પૂરું કર્યું છે. હવે આ ટેક્નોલોજીને રેલવે સંચાલનમાં સત્તાવાર રીતે લાવવામાં આવી રહી છે.

ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી DEMUનો ડીઝલ વપરાશ ઘટશે. પરીક્ષણ દરમિયાન મળેલા આંકડા પ્રમાણે એક DPCથી વાર્ષિક આશરે રૂ. 11.9 લાખની બચત થવાની ધારણા છે. 8 કોચની DEMU રેકના સંચાલનમાં આશરે રૂ. 23.9 લાખની વાર્ષિક બચત શક્ય હોવાનું જણાવાયું છે. એટલે કે દર એક કિલોમીટરમાં આશરે એક લિટર સુધી ડીઝલ બચે તેવો અંદાજ છે.

હાલ આ ટ્રેન સાબરમતીથી મહેસાણા, પાલનપુર અને આબુરોડ જેવા રૂટ પર નિયમિત દોડે છે.

LNGના ઉપયોગથી ઇંધણ ખર્ચ ઘટવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થશે. CO₂, NOx અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટશે અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી સજ્જ DEMUનું ટેક્નિકલ પરીક્ષણ પણ થયું છે. ટ્રેનનું 222 કિલોમીટર પ્રતિ કલાક સુધીનું સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમની કામગીરી અને સલામતીના વિવિધ પાસાં ચકાસવામાં આવ્યા હતા.

મુખ્ય વિશેષતાઓ:

  • લોકાર્પણ: 27 સપ્ટેમ્બર, સાબરમતી સ્ટેશન
  • ટ્રેન: દેશની પહેલી LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU
  • DPC: 2, બંને 1400 HP ક્ષમતાની
  • LNG ઉપયોગ: ડીઝલની જગ્યાએ આશરે 40% સુધી
  • ફીલ્ડ ટ્રાયલ: 2,000 કિલોમીટરથી વધુ
  • વાર્ષિક બચત: એક DPC રૂ. 11.9 લાખ, 8-કોચ રેક રૂ. 23.9 લાખ સુધી
  • સ્પીડ ટ્રાયલ: 222 કિલોમીટર પ્રતિ કલાક સુધી