ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન 'ભારત 28' (B-28)નું નિર્માણ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે બેંગલુરુ સ્થિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં ચાલી રહ્યું છે. આ ટ્રેન 249 કિમી/કલાકની ઓપરેશનલ સ્પીડ સાથે મુસાફરોને ઝડપી અને આરામદાયક સફર પ્રદાન કરશે.
ટ્રેનને 280 કિમી/કલાકની મહત્તમ ટેસ્ટ સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 7 સ્ટાન્ડર્ડ ક્લાસ અને 1 એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હશે, જે એકસાથે 557 મુસાફરોને સમાવી શકશે. જરૂરિયાત મુજબ બે ટ્રેનને જોડીને 16 કોચની ટ્રેન પણ બનાવી શકાશે.
1 નવેમ્બરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEMLની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. હાલમાં ટ્રેનના પ્રથમ કોચનો 'સ્ક્વીઝ ટેસ્ટ' અંતિમ તબક્કામાં છે, જેમાં ટ્રેનનું માળખું ભારે દબાણ સામે કેટલું મજબૂત છે તેની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટ પૂર્ણ થયા બાદ ટ્રેનમાં પ્રોપલ્શન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લગાવવામાં આવશે. ત્યારબાદ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી, ઠંડી, ધૂળ અને ભારે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં ક્લાઇમેટિક ટેસ્ટિંગ કરવામાં આવશે.
મુસાફરોને Wi-Fi, મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, મોટી બારીઓ, LED લાઇટિંગ અને આધુનિક બાયો-ડાઇજેસ્ટર ટોઇલેટ જેવી સુવિધાઓ મળશે. દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેર, ખાસ બેઠકો અને બ્રેઇલ લિપિવાળા માહિતી બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે, જે બ્રેક મારતી વખતે ઉત્પન્ન થતી ઊર્જાને ફરી ઇલેક્ટ્રિકલ ગ્રિડમાં મોકલવામાં મદદ કરશે.
રેલવેના આયોજન મુજબ 2027-28ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સુરત-વાપી વચ્ચેના આશરે 100 કિમીના રૂટ પર ટ્રેનનું ટેસ્ટિંગ શરૂ કરવાનું લક્ષ્ય છે. ઓગસ્ટ 2027થી કોમર્શિયલ સંચાલન શરૂ કરવાની યોજના છે. 508 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરને ડિસેમ્બર 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 'ભારત 28' ટ્રેન સ્વદેશી હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં ભારતનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.