સત્ય. સાહસ. સંકલ્પ.

દેશની પહેલી બુલેટ ટ્રેન: 8 કોચ, 616 મુસાફરો, 249 કિમી પ્રતિ કલાકની ઝડપ

દેશની પહેલી બુલેટ ટ્રેન: 8 કોચ, 616 મુસાફરો, 249 કિમી પ્રતિ કલાકની ઝડપ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાપીથી સુરત વચ્ચેના ૧૦૦ કિલોમીટરના રૂટ પર ૨૦૨૭માં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે. બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા તૈયાર થતી B28 ટ્રેનમાં ૮ કોચ હશે, જેમાં ૭ સ્ટાન્ડર્ડ અને ૧ એક્ઝિક્યુટિવ ક્લાસનો સમાવેશ થશે. કુલ ૬૧૬ મુસાફરોની ક્ષમતાવાળી આ ટ્રેન ૨૪૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

ટ્રેનની ડિઝાઇન ઝડપ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ તેને ૨૪૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનું આયોજન છે. BEML આ પ્રકારની કુલ ૪૭ ટ્રેન બનાવી દેશમાં કાર્યરત કરશે.

એક્ઝિક્યુટિવ કોચમાં ૨-૨ બેઠક વ્યવસ્થા, આરામદાયક સીટ, પગ ફેલાવવા માટે વધુ જગ્યા, મોટી બારીઓ અને મુસાફરોને સામાન રાખવા માટે ઉપર મોટી રેક મળશે.

આગામી ૨૦૨૭ના પહેલા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના કોરિડોરમાં બે પ્રોટોટાઇપના ટ્રાયલ રૂપે દોડાવવામાં આવશે. જેની સફળતા મળ્યા બાદ સુરત-વાપી વચ્ચેના ૧૦૦ કિલોમીટર રૂટમાં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી કરાશે. ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના સંપૂર્ણ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં બે લાખ કરોડથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. બીજી બાજુ, દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં BEML ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી બીજી ટ્રેન વિકસાવશે.