દેશમાં કોર્પોરેટ જગતના 94% સિનિયર અધિકારીઓ નવી નોકરી શોધવા અને કારકિર્દીમાં ફેરફાર કરવા તૈયાર છે. એક્ઝિક્યુટિવ સર્ચ કંપની પેજ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના 'એક્ઝિક્યુટિવ કમ્પેન્સેશન એન્ડ ટેલેન્ટ ટ્રેન્ડ્સ રિપોર્ટ'માં આ માહિતી બહાર આવી છે. દેશના 1,200થી વધુ સી-લેવલ અધિકારીઓ અને ટોચના લીડર્સ પર કરાયેલા આ અભ્યાસ પ્રમાણે, 63% અધિકારીઓ નવી ભૂમિકા શોધી રહ્યા છે, જ્યારે 41% અધિકારીઓ માને છે કે તેઓ હાલના પદ પર એક વર્ષથી વધુ ટકી શકશે નહીં.
પેજ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના મેનેજિંગ પાર્ટનર જ્હોન ગોલ્ડસ્ટીન કહે છે કે ભારતીય બજારમાં યોગ્ય ટેલેન્ટની કમી નથી. અસલી પડકાર એ છે કે કંપનીઓ આ ટેલેન્ટને કેટલી ઝડપથી વિકસાવે છે અને જાળવી રાખે છે. આજના લીડર્સ ઝડપી પ્રગતિ, મોટી અસર અને તેમના પ્રદર્શન તથા પુરસ્કાર વચ્ચે સ્પષ્ટ સંબંધ જોવા માંગે છે.
રિપોર્ટ અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે મોટા પદોના કામકાજનો જરૂરી ભાગ બની ગયો છે. 75% એક્ઝિક્યુટિવ્સ તેમના રોજિંદા કામમાં AIનો નિયમિત ઉપયોગ કરે છે અને 72% અધિકારીઓ માને છે કે AIથી તેમની કામ કરવાની ક્ષમતામાં ભારે વધારો થયો છે. માઇકલ પેજ ઇન્ડિયા અને સિંગાપોરના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર નિલય ખંડેલવાલ કહે છે કે AI અંગેની ચર્ચા હવે તેને અપનાવવાથી આગળ વધીને જવાબદારી તરફ આગળ વધી છે. જવાબદારીઓ બદલાતાં સૌથી મોટી પ્રાથમિકતા એવા ટેલેન્ટને શોધવા, વિકસાવવા અને જાળવવાની રહેશે, જે AI સાથે અસરકારક રીતે કામ કરી શકે.
સેલરીના મામલે 65% એક્ઝિક્યુટિવ્સ તેમના હાલના પેકેજથી સંતુષ્ટ છે, જ્યારે 87% અધિકારીઓ માને છે કે જોબ સેટિસ્ફેક્શન માટે પગાર સૌથી મોટો માપદંડ છે. તેમ છતાં, માત્ર સારો પગાર આપીને અધિકારીઓને લાંબા સમય સુધી જાળવી રાખવું હવે કંપનીઓ માટે સરળ નથી, કારણ કે અધિકારીઓ પદોન્નતિ અને આગળ વધવાની તકોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. સાથે જ, દેશમાં કૌશલ્ય (સ્કિલ્સ)ના આધારે થતી ભરતીઓનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે.