સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપને ભારતીય ઇંધણ નિકાસમાં 43 ટકાનો વધારો, જામનગર રિફાઈનરીનો મોટો ફાળો

યુરોપને ભારતીય ઇંધણ નિકાસમાં 43 ટકાનો વધારો, જામનગર રિફાઈનરીનો મોટો ફાળો

નવી દિલ્હી: ભારત, તૂર્કી અને બ્રુનેઈની રિફાઈનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં યુરોપના દેશોમાં એક અબજ યુરોના ઓઈલ ઉત્પાદનોની નિકાસ કરી છે. આ આંકડો ઓગસ્ટ મહિનાની નિકાસ કરતાં 43 ટકા વધુ છે.

યુક્રેન પર આક્રમણ બાદ યુરોપના દેશોએ રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં યુરોપમાં ભારતીય કંપનીઓની ઓઈલ ઉત્પાદનોની નિકાસ વધી છે. બીજી બાજુ, આ કંપનીઓએ રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત યથાવત્ રાખી છે.

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (સીઆરઈએ)ના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીમાંથી છ કાર્ગો ભરીને ઓઈલ ઉત્પાદનો યુરોપીયન યુનિયનમાં મોકલવામાં આવ્યાં હતાં. યુરોપીયન યુનિયને રશિયન ક્રૂડમાંથી બનેલા ઓઈલ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં યુરોપીયન યુનિયનમાં રિલાયન્સની નિકાસ વધી છે.

સીઆરઈએના રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરમાં ભારત, તૂર્કી અને બ્રુનેઈ પાસેથી યુરોપીયન યુનિયને 66.7 કરોડ યુરો, ઓસ્ટ્રેલિયાએ 16.8 કરોડ યુરો, અમેરિકાએ 15.4 કરોડ યુરો અને ન્યૂઝીલેન્ડે 1.9 કરોડ યુરોના ઓઈલ ઉત્પાદનોની આયાત કરી હતી. આ ઉત્પાદનો રશિયન ક્રૂડમાંથી બનાવવામાં આવ્યા હતા.

રિલાયન્સે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જામનગર રિફાઈનરીમાંથી 12.2 કરોડ યુરોના મૂલ્યના ઓઈલ ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરી હતી. આ જ સમયગાળામાં કંપનીની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયન ક્રૂડનો હિસ્સો 32 ટકાથી વધુ હતો. જામનગરમાંથી ઓઈલ ટેન્કરો ઈટાલી, રોમાનિયા, સ્પેન અને સાયપ્રસમાં પણ પહોંચ્યા હતા.

રશિયન ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરતી રિફાઈનરીઓ તરફથી યુરોપીયન યુનિયનના બંદરો પર થતી નિકાસમાં 80 ટકાનો ઉછાળો નોંધાયો છે.