સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-EU વેપાર કરાર: 96% યુરોપિયન સામાન પર ટેરિફ ઘટશે, ઓટો અને વાઈન સસ્તા થવાની આશા

ભારત-EU વેપાર કરાર: 96% યુરોપિયન સામાન પર ટેરિફ ઘટશે, ઓટો અને વાઈન સસ્તા થવાની આશા

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે. યુરોપિયન કમિશન તરફથી EU કાઉન્સિલને આ કરાર પર હસ્તાક્ષર કરવા અને તેને આખરી ઓપ આપવા માટે સત્તાવાર પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે. કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ, આ બંને પક્ષોના ઇતિહાસનો સૌથી મોટો વેપાર કરાર બની જશે.

યુરોપિયન કમિશનના જણાવ્યા અનુસાર, આ કરાર લાગુ થવાથી ભારત મોકલવામાં આવતા કુલ યુરોપિયન નિકાસના 96% હિસ્સા પર સીમા શુલ્ક (કસ્ટમ ડ્યુટી) કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. આનાથી યુરોપિયન કંપનીઓને વાર્ષિક આશરે 4 બિલિયન યુરો (લગભગ ₹36,000 કરોડ)ની બચત થશે. અંદાજ મુજબ, 2032 સુધીમાં EU થી ભારત થતી નિકાસ બમણી થઈ જશે.

આ FTA લાગુ થયા બાદ ભારત આવતી યુરોપિયન કાર પરનો ટેરિફ તબક્કાવાર 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. ઓટો પાર્ટ્સ પરનો ટેક્સ 5 થી 10 વર્ષમાં નાબૂદ થશે. યુરોપિયન વાઈન પર હાલનો 150% આયાત દર ઘટીને 75% અને બાદમાં 20% થઈ જશે. ઓલિવ ઓઈલ પરનો 45% ચાર્જ 5 વર્ષમાં નાબૂદ કરાશે, જ્યારે બ્રેડ અને કન્ફેક્શનરી પરનો 50% સુધીનો ચાર્જ સંપૂર્ણ હટાવી દેવાશે.

બંને પક્ષોએ પોતાના સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોની સુરક્ષા માટે ખાસ જોગવાઈ કરી છે. EU અનુસાર, બીફ, ચિકન, ચોખા, ખાંડ અને અન્ય સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો માટે વર્તમાન સુરક્ષાના ઉપાયો યથાવત રહેશે. ભારતીય ઉત્પાદનોએ EU બજારમાં પ્રવેશવા માટે તેમના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું પાલન કરવું પડશે.

આ પ્રસ્તાવિત કરાર માત્ર સામાનના વેપાર પૂરતો મર્યાદિત નથી. તેમાં ભારતના સર્વિસ સેક્ટરમાં EU કંપનીઓ માટે બજાર સુધીની પહોંચ વધારવાની જોગવાઈઓ છે, ખાસ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિસ અને દરિયાઈ પરિવહન ક્ષેત્રે. ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ, મજૂર અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ટકાઉ વિકાસ (Sustainable Development) નો અધ્યાય પણ સામેલ છે.

ભારત અને EU વચ્ચે FTA પર વાટાઘાટો વર્ષ 2007માં શરૂ થઈ હતી, જે 2013માં અટકી ગઈ હતી અને 2022માં ફરી શરૂ થઈ હતી. ઓક્ટોબર 2025માં 14મો આખરી રાઉન્ડ પૂર્ણ થયા બાદ, 27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 16મા ભારત-EU શિખર સંમેલનમાં વાટાઘાટો પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

પ્રસ્તાવ રજૂ થવાનો અર્થ એ નથી કે FTA તાત્કાલિક લાગુ થઈ ગયો છે. સૌપ્રથમ EU કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ હસ્તાક્ષર થશે, ત્યારબાદ યુરોપિયન પાર્લામેન્ટ અને ભારત સરકારની આંતરિક મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ આ કરાર અમલમાં આવશે.