આઝાદીના સાત દાયકા પછી પણ દેશની શિક્ષણ વ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીઓ ભણવા માંગે છે, પણ પૂરતા શિક્ષકો, સારી શાળાઓ અને મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
ગયા મહિને દિલ્હીમાં જંતરમંતર ખાતે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ શિક્ષણ ક્ષેત્રની ઘણી ખામીઓ સામે આવી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસના સર્વે મુજબ દેશની 87% ખાનગી શાળાઓમાં શિક્ષકો પાસે જરૂરી ડિગ્રી નથી.
મહારાષ્ટ્રમાં 8,000 ગામડાંમાં શાળાઓ જ નથી. 3,000 શાળાઓમાં છોકરીઓ માટે અલગ ટોઇલેટ નથી, અને 5,000થી વધુ શાળાઓમાં વીજળી નથી. 14થી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ બરાબર વાંચી શકતા નથી.
ભારતમાં હાલ 14.7 લાખ શાળાઓ, 24.7 કરોડ વિદ્યાર્થીઓ અને 1 કરોડ શિક્ષકો છે. ગામડાંમાં માધ્યમિક શિક્ષણમાં નોંધણી વધી છે. 6થી 14 વર્ષના બાળકોનું નોંધણી પ્રમાણ 98% છે. સરકારના નિપુણ ભારત, સમગ્ર શિક્ષા, પીએમ શ્રી અને દીક્ષા જેવા કાર્યક્રમોએ સાક્ષરતા વધારી છે. 98% શાળાઓમાં પીવાના પાણીની સુવિધા છે, પણ પૂરતો વીજ પુરવઠો ધરાવતી શાળાઓ ઓછી છે. 40% શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્શન નથી, અને માત્ર 36% શાળાઓમાં છોકરા-છોકરીઓ માટે અલગ ટોઇલેટ છે.
પશ્ચિમ બંગાળના આંકડા ચોંકાવનારા છે. કેન્દ્ર સરકારના યુડાયસ પ્લસ 2025-26 રિપોર્ટ મુજબ રાજ્યની 4,133 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી, પણ ત્યાં 19,502 શિક્ષકો તૈનાત છે. દેશભરમાં વિદ્યાર્થી વગરની 5,663 શાળાઓમાંથી 73% ફક્ત પશ્ચિમ બંગાળમાં છે.
બે દાયકા પહેલાં શિક્ષણ એક આકર્ષક પ્રોફેશન હતું અને સારા વિદ્યાર્થીઓ શિક્ષક બનતા. હવે અન્ય ક્ષેત્રોમાં ઉજળી તકો મળતાં શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ છેલ્લે વિચારવામાં આવે છે. ખાનગી શાળાના શિક્ષક કરતાં કોલ સેન્ટર કર્મચારીનો પગાર વધારે છે. નિષ્ણાતો કહે છે કે ભારતમાં શિક્ષણને પ્રતિષ્ઠિત પ્રોફેશન તરીકે જોવામાં આવતું નથી અને ટોપર વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે આવતા નથી.
ફિનલેન્ડ, બેલ્જિયમ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને જાપાનમાં શિક્ષકોને સારો પગાર આપવામાં આવે છે અને ટોપર્સને જ શિક્ષક તાલીમ માટે પસંદ કરવામાં આવે છે, જેથી સ્પર્ધાત્મક વાતાવરણ રહે છે. ભારતમાં સરકારી શાળાઓમાં જૂની પદ્ધતિથી ભણાવાય છે અને ખાનગી શાળાઓમાં પગાર ઓછો આપવામાં આવે છે. મોટા ભાગની ખાનગી શાળાઓ વર્તમાન પગાર પંચ પ્રમાણે વેતન આપતી નથી, જેથી યુવા પેઢી આ ક્ષેત્રે આવવા ઇચ્છતી નથી.
સરકાર અનામત દ્વારા વધુ યુવાનોને શિક્ષણની તક આપવા પ્રયત્નશીલ છે, જેનો દેશભરમાં વિરોધ પણ થાય છે. બીજી તરફ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા ખામીયુક્ત છે. 1,338 યુનિવર્સિટીઓ અને 5,000થી વધુ કોલેજો સાથે ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી ગણાય છે, પણ આ સંસ્થાઓ દેશના માત્ર 17% યુવાનોને શિક્ષણ આપે છે અને દર વર્ષે લગભગ 35 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશે છે. યુવાનોનું શિક્ષણસ્તર અને પડકારો સામે પીછેહઠ જોતાં આ આંકડા ખોકળા લાગે છે.
પ્રશ્ન એ છે કે શું આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ? વધુ તરુણ-તરુણીઓ ઉચ્ચ શિક્ષણ લેશે તો દેશનું ભાવિ ઉજળું બનશે અને આર્થિક-સામાજિક પ્રગતિ થશે. તે માટે યુવા પેઢીને ઉચ્ચ ક્ષમતાવાળી બનાવવી જરૂરી છે.