સત્ય. સાહસ. સંકલ્પ.

ડેન્ગ્યુ વેક્સિનને ભારતમાં મંજૂરી, આવતા વર્ષે 6 મહિનામાં મળશે ડોઝ

ડેન્ગ્યુ વેક્સિનને ભારતમાં મંજૂરી, આવતા વર્ષે 6 મહિનામાં મળશે ડોઝ

ભારતમાં ડેન્ગ્યુ સામેની પહેલી રસીને મંજૂરી મળી છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી 'QDENGA'ને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે. રસી આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં બજારમાં ઉપલબ્ધ થવાની ધારણા છે.

દેશભરમાં આ રસી પહોંચાડવા માટે તાકેદાએ ભારતની ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે. રસી 4 થી 60 વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. તેના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મુકાવી શકશે.

ડેન્ગ્યુ વાયરસના ચાર અલગ-અલગ સ્ટ્રેન હોય છે, તેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેનનો ખતરો રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેન સામે રક્ષણ આપે છે. જેનાથી ગંભીર કેસો અને મૃત્યુમાં ઘટાડો થવાની આશા છે.

ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાતી ગંભીર વાયરલ બીમારી છે. ભારતમાં છેલ્લા છ વર્ષમાં ડેન્ગ્યુના કુલ 10,78,101 કેસ નોંધાયા છે અને 1,572 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2021માં 1,93,245 કેસ અને 346 મૃત્યુ, 2022માં 2,33,351 કેસ અને 303 મૃત્યુ, 2023માં 2,89,235 કેસ અને 485 મૃત્યુ, 2024માં 2,33,519 કેસ અને 297 મૃત્યુ, 2025માં 1,21,824 કેસ અને 131 મૃત્યુ તેમજ 2026માં 28 ફેબ્રુઆરી સુધી 6,927 કેસ અને 10 મૃત્યુ નોંધાયા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષોના સંશોધન અને કસોટીઓ બાદ આ રસીને મંજૂરી મળી છે. તેઓ કહે છે કે રસી ઉપલબ્ધ થયા પછી પણ મચ્છરોથી બચવું અને ઘરની આસપાસ સફાઈ રાખવી એટલી જ જરૂરી રહેશે, કારણ કે સાવચેતી જ આ રોગને અટકાવવાનો મૂળ પાયો છે.