સત્ય. સાહસ. સંકલ્પ.

3 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાની એક જ દિવસે બે દેશોમાં મેચ? સંભવિત સંયોગ

3 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાની એક જ દિવસે બે દેશોમાં મેચ? સંભવિત સંયોગ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે 3 ઓક્ટોબર 2026 ઐતિહાસિક દિવસ બની શકે છે. એવી શક્યતા છે કે ટીમ ઈન્ડિયા એક જ દિવસે બે અલગ અલગ દેશોમાં આંતરરાષ્ટ્રીય મેચ રમે. આ સંયોગ 28 વર્ષ પછી જોવા મળી શકે છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝ સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. આ સીરિઝની ત્રીજી મેચ 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાવાની છે. શુભમન ગિલ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. તે જ દિવસે એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટી20 ટીમ મેડલ માટે રમતી જોવા મળી શકે છે.

એશિયન ગેમ્સનું આયોજન જાપાનના આઈચી-નાગોયામાં થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે ભારતીય ટી20 ટીમ ફાઈનલમાં પહોંચશે. જો તેમ થાય, તો 3 ઓક્ટોબરે ભારતીય વનડે ટીમ ભારતમાં વેસ્ટઈન્ડિઝ સામે રમશે, જ્યારે ટી20 ટીમ જાપાનમાં મેડલ મેચ રમશે.

ભારતીય ટી20 ટીમની કમાન શ્રેયસ અય્યર પાસે હશે. કેટલાક ખેલાડીઓ બંને ટીમોનો ભાગ છે. પરંતુ એશિયન ગેમ્સના સ્ક્વોડમાં સ્થાન મેળવનારા ખેલાડીઓ વનડે સીરિઝમાં રમશે નહીં. બીસીસીઆઈ સેકન્ડરી ટીમને વનડે સીરિઝમાં ઉતારી શકે છે.

સૌથી પહેલી વખત આવો સંયોગ 12 સપ્ટેમ્બર 1998ના રોજ બન્યો હતો. ત્યારે અજય જાડેજાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે મલેશિયામાં કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા સામે મેચ રમી હતી. જેમાં ભારતે 112 રને જીત મેળવી હતી. તે જ દિવસે મોહમ્મદ અઝરુદ્દીનની કેપ્ટનશીપ હેઠળ મુખ્ય ટીમે કેનેડામાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

હવે 3 ઓક્ટોબરે જો ભારતીય ટીમ એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચે છે, તો આ બીજી વખત હશે જ્યારે એક જ દિવસે ટીમ ઈન્ડિયા બે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ક્રિકેટ ચાહકો માટે આ યાદગાર દિવસ બની શકે છે.