સત્ય. સાહસ. સંકલ્પ.

ખાડી યુદ્ધની અસર: દેશના કોર સેક્ટરનો વિકાસ દર ઘટીને 4.8% થયો

ખાડી યુદ્ધની અસર: દેશના કોર સેક્ટરનો વિકાસ દર ઘટીને 4.8% થયો

નવી દિલ્હી: ખાડી યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. વાણિજ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં દેશના નવ કોર સેક્ટરનો વિકાસ દર ઘટીને 4.8 ટકા થયો છે, જે છેલ્લા 11 મહિનામાં સૌથી નીચો સ્તર છે. જુલાઈમાં આ દર 5 ટકા હતો.

કોર સેક્ટરમાં લોહખનીજ (આયર્ન ઓર) અને કોલસાના ઉત્પાદનમાં આવેલા ઘટાડાને કારણે સૌથી મોટો ફટકો પડ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં કુલ નવમાંથી પાંચ કોર સેક્ટરે હકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે ચાર ક્ષેત્રો સંકોચન અનુભવી રહ્યા છે.

લોહખનીજનો વિકાસ દર ઓગસ્ટમાં ઘટીને 5.5 ટકા થયો છે, જે જુલાઈમાં 29.5 ટકા હતો. આ સાથે સેક્ટર ઇન્ડેક્સ 104.8 ટકાથી ઘટીને 96.1 ટકા થયો છે. બીજી તરફ, કોલસા ક્ષેત્રે જુલાઈમાં 7.6 ટકાની વૃદ્ધિ બાદ ઓગસ્ટમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે, જેના કારણે કોલસો ફરી નેગેટિવ ઝોનમાં આવી ગયો છે. કુદરતી ગેસ, ક્રૂડ ઓઇલ અને ખાતર ક્ષેત્રે પણ સંકોચન જોવા મળ્યું છે.

જો કે, વીજળી ક્ષેત્રના મજબૂત પ્રદર્શનને કારણે કોર સેક્ટરને થોડી રાહત મળી છે. ઓગસ્ટમાં વીજ ક્ષેત્રનો વિકાસ દર 11.6 ટકા પર પહોંચ્યો છે, જે 27 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. જુલાઈમાં આ દર 8.4 ટકા હતો. સિમેન્ટ, સ્ટીલ અને રિફાઇનરી પ્રોડક્ટ્સે પણ હકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે.

નવા આંકડા 2022-23ને આધાર વર્ષ ગણીને તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉની શ્રેણીમાં આઠ કોર સેક્ટર હતા, જ્યારે નવી શ્રેણીમાં લોહખનીજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ઇન્ડેક્સમાં 4.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં બમણી છે.

અર્થશાસ્ત્રીઓના મતે આ આંકડા ચિંતાજનક છે. દેશના લગભગ 45 ટકા વિસ્તારોમાં હજુ પૂરતો વરસાદ પડ્યો નથી. જો આગામી દિવસોમાં પણ વરસાદ ઓછો રહે તો ખેડૂતોને નુકસાન થશે, ગ્રામીણ અર્થતંત્ર પર દબાણ વધશે અને તેની સીધી અસર દિવાળીની ખરીદી પર પણ દેખાઈ શકે છે.