સત્ય. સાહસ. સંકલ્પ.

મક્કા નજીક ડ્રોન હુમલાની ભારતે કરી નિંદા, શાંતિની અપીલ

મક્કા નજીક ડ્રોન હુમલાની ભારતે કરી નિંદા, શાંતિની અપીલ

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાને ભારતે આકરા શબ્દોમાં નિંદ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, સાઉદી અરેબિયાની સાર્વભૌમ સીમા પર થતા હુમલા અને સામાન્ય નાગરિકોનું જીવન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકતી ઘટનાઓ ભારત સ્વીકારતું નથી.

જયસ્વાલે કહ્યું કે, મક્કા નજીક બનેલી આ ઘટના ખાસ ચિંતાજનક છે, કારણ કે સમગ્ર વિશ્વના કરોડો મુસ્લિમો માટે આ શહેરનું અદકેરું ધાર્મિક મહત્ત્વ છે. સામાન્ય જનજીવન અને નાગરિક સુવિધાઓને નિશાન બનાવતી કોઈપણ હિંસા સ્વીકાર્ય નથી.

સાઉદી અરેબિયા અને હૂથી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે. હૂથી જૂથે દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત, અબહા અને તાઈફ જેવા શહેરોમાં નાગરિક અને સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી નવા મિસાઈલ તેમજ ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 13 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે, રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને કિંગ ખાલિદ એરબેઝ નજીક આગ લાગવાની ઘટના પણ સામે આવી છે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. રણધીર જયસ્વાલે આશા વ્યક્ત કરી કે, સમગ્ર ક્ષેત્રમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બનશે અને શાંતિ તથા સ્થિરતા પુનઃસ્થાપિત થશે.