ભારતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ઐતિહાસિક સફળતા મેળવી છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવાર, 31 ઓક્ટોબરે રમાયેલી મેન્સ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 54-20ના મોટા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી.
ફાઇનલની શરૂઆતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ ટૂંક સમયમાં જ રમત પર પકડ મજબૂત કરી લીધી હતી. સુરજીત સિંહની આગેવાની હેઠળની ટીમે પ્રથમ હાફની અંતિમ 10 મિનિટમાં શાનદાર રમત રમીને શ્રીલંકા સામે 15-2ની સરસાઈ મેળવી હતી. પ્રથમ 20 મિનિટ પૂરી થતાં ભારતે 30-10ની મજબૂત લીડ મેળવી લીધી હતી.
બીજા હાફમાં શ્રીલંકાએ પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પણ ભારતીય ખેલાડીઓના આક્રમક રેડિંગ અને મજબૂત ડિફેન્સ સામે તેમની એક પણ ચાલ સફળ થઈ નહોતી. શ્રીલંકાની ટીમ બીજા હાફમાં માત્ર 10 પોઇન્ટ જ મેળવી શકી અને ભારતે 54-20થી વિજય નોંધાવ્યો.
ભારત તરફથી આદિત્ય શિંદે સૌથી સફળ ખેલાડી રહ્યો હતો. તેણે કુલ 10 પોઇન્ટ મેળવ્યા, જેમાં 6 ટચ પોઇન્ટ અને 4 બોનસ પોઇન્ટનો સમાવેશ થાય છે. ભરત હુડ્ડાએ આઠ અને પંકજ મોહિતેએ 6 પોઇન્ટનું યોગદાન આપ્યું હતું. યોગેશ દહિયાએ પાંચ ટેકલ પોઇન્ટ મેળવીને ભારતીય સંરક્ષણની જવાબદારી અસરકારક રીતે નિભાવી હતી.
શ્રીલંકા તરફથી દુકાન મડુવંથાએ સૌથી વધુ 6 પોઇન્ટ મેળવ્યા હતા. આંકડા પર નજર કરીએ તો રેડિંગમાં ભારતે 30-11 અને ટેકલમાં 14-9થી સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમે મેચ દરમિયાન ચાર વખત ઓલઆઉટ કરીને આઠ વધારાના પોઇન્ટ પણ મેળવ્યા હતા.
ભારતીય મેન્સ ટીમે ચેમ્પિયનશિપમાં શરૂઆતથી જ શાનદાર રમત રમી હતી. ટીમે સતત આઠ મેચ જીતીને અજેય રહેવાની સિદ્ધિ નોંધાવી હતી. ફાઇનલમાં જીત બાદ કેપ્ટન સુરજીત સિંહ અને વાઇસ કેપ્ટન નવીન કુમારે ભારતીય તિરંગો લહેરાવ્યો હતો.
13 દેશોની મેન્સ ટીમ વચ્ચે નવ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધાનું આયોજન એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા (AKFI)એ કર્યું હતું અને તેને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની માન્યતા પ્રાપ્ત હતી.
મેન્સ ફાઇનલ પહેલાં રમાયેલી વુમન્સની ફાઇનલમાં ભારતે યુગાન્ડાને 35-15થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતે મેન્સ અને વુમન્સ બંનેમાં ટાઇટલ જીતીને ઐતિહાસિક 'ગોલ્ડન ડબલ' સિદ્ધ કર્યું હતું.
મેન્સમાં સિલ્વર મેડલ શ્રીલંકાને અને બ્રોન્ઝ મેડલ કેન્યા તથા બાંગ્લાદેશને મળ્યો હતો. વુમન્સમાં સિલ્વર યુગાન્ડાને અને બ્રોન્ઝ કેન્યા તથા શ્રીલંકાને મળ્યો હતો.