સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય કોચિંગ સ્ટાફના બે ભાગલા, ગંભીર વનડે ટીમ સાથે રહેશે

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય કોચિંગ સ્ટાફના બે ભાગલા, ગંભીર વનડે ટીમ સાથે રહેશે

ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં મંગળવારે રમાનારી ત્રીજી વનડે બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફ વચ્ચે કામ વહેંચાઈ જવાની શક્યતા છે. હજુ આખરી વ્યવસ્થા નક્કી થઈ નથી, પણ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે બાકીની બે વનડે માટે માઉન્ટ માઉંગાનુઈ ખાતે વનડે ટીમ સાથે રહે તેવી શક્યતા છે.

બીજી તરફ બેટિંગ કોચ સિતાંશુ કોટક અને ફાસ્ટ બોલિંગ કોચ મોર્ને મોર્કેલ 19 નવેમ્બરથી શરૂ થતી પ્રથમ ટેસ્ટની તૈયારી માટે વેલિંગ્ટનમાં યોજાનારા ટેસ્ટ ટીમના પ્રી-સીરિઝ કેમ્પમાં જોડાશે.

હેમિલ્ટનમાં મેચ પહેલાંની પત્રકાર પરિષદમાં સિતાંશુ કોટકે આ યોજના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્લાનમાં હજુ ફેરફાર થઈ શકે છે. તેમણે કહ્યું, “મારી જાણકારી મુજબ ગૌતમ ગંભીરે અહીં રોકાવું પડશે કારણ કે 2027નો વનડે વર્લ્ડ કપ આવી રહ્યો છે. તેથી તેઓ અહીં રહેશે અને સંભવતઃ સાઈરાજ બહુતુલે પણ તેમની સાથે રહેશે. હું, મોર્ને મોર્કેલ અને અન્ય સ્ટાફ વેલિંગ્ટન જઈશું. આ હાલનો પ્લાન છે, પરંતુ આખરી નિર્ણય ગૌતમ લેશે. અમે પરિસ્થિતિ અનુસાર ખેલાડીઓનું વર્કલોડ, ફિટનેસ અને પ્રેક્ટિસનું શ્રેષ્ઠ આયોજન કરવાનો પ્રયાસ કરીશું.”

કોટકે જણાવ્યું કે વનડે સ્ક્વોડમાંથી ત્રણ ઝડપી બોલર ગુરનૂર બ્રાર, આકિબ નબી અને અર્શદીપ સિંહ ટેસ્ટ ટીમની મદદ માટે નેટ બોલર તથા રિઝર્વ ખેલાડી તરીકે ન્યૂઝીલેન્ડમાં જ રોકાશે.

શુભમન ગિલ અને કેએલ રાહુલ વનડેમાંથી ટેસ્ટ ફોર્મેટમાં અનુકૂલન સાધવા અંગેના સવાલ પર કોટકે કહ્યું કે દરેક ફોર્મેટ માટે માનસિક તૈયારી અલગ હોય છે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડની પડકારજનક પરિસ્થિતિ લાલ બોલના ક્રિકેટ માટે મદદરૂપ થશે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં બેટ્સમેન ટેસ્ટ મેચ મુજબ ગોઠવાતો નથી, પરંતુ બંને વનડેની પિચ પર શરૂઆતમાં સ્વિંગ અને ત્યારબાદ સીમ મુવમેન્ટ સાથે અસમાન ઉછાળ જોવા મળ્યો હતો.

પિચ પર 12થી 14 મિલીમીટર ઘાસ અને ઠંડા વાતાવરણને કારણે મોટા સ્કોર બની રહ્યા નથી, જે બેટ્સમેનો માટે શીખવાની મોટી તક છે. ભારત ‘A’ની ત્રણ મેચોથી રેડ બોલ ખેલાડીઓને અહીંની પરિસ્થિતિ, બોલિંગ લેન્થ અને બોલના વર્તનને સમજવામાં મદદ મળી છે.

ટેસ્ટ ટીમ માટે 11 નવેમ્બરથી વેલિંગ્ટનમાં પ્રેક્ટિસ કેમ્પ શરૂ થશે, જ્યાં પ્રથમ ટેસ્ટ પહેલાં 5થી 6 પ્રેક્ટિસ સેશન મળશે.